ગુજરાતમાં ગત સપ્તાહના માવઠાની અસર દૂર થતાં જ સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે રાત્રિએ અમદાવાદ સહિત રાજ્યના ૯ શહેરમાં લઘુતમ ઉષ્ણતામાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ૬.૮ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં ૭ અને અમદાવાદમાં ૯.૧ ડિગ્રી સરેરાશ લઘુતમ ઉષ્ણતામાનનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.ઉત્તર ભારતમાં બરફવર્ષાને પગલે હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં 10 અને 11 જાન્યુઆરીએ કોલ્ડ વેવની અસર વર્તાશે તેવી આગાહી કરી હતી.
નલિયામાં ગત રવિવારે રાત્રિએ ૬.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ ઉષ્ણતામાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં છેલ્લા ૧૦ વર્ષથી જાન્યુઆરીમાં લઘુતમ ઉષ્ણતામાનનો પારો કમસેકમ એકવાર ૬ ડિગ્રીથી નીચે ગયો છે. ગત વર્ષે ૨૬ જાન્યુઆરીએ નલિયામાં ૨.૮ ડિગ્રીએ લઘુતમ ઉષ્ણતામાનનો પારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન નલિયામાં ૫ થી ૭ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ ઉષ્ણતામાન રહે તેની સંભાવના છે. પાટનગર ગાંધીનગરમાં ૭ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું ઉષ્ણતામાન નોંધાયું હતું.
અમદાવાદમાં ૯.૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ ઉષ્ણતામાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રવિવારે ૨૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ ઉષ્ણતામાન પણ સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઘટી જતાં દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અમદાવાદમાં જાન્યુઆરી માસમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલું આ સૌથી નીચું ઉષ્ણતામાન છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ના ૯ ડિગ્રી જ્યારે ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ના ૯.૫ ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ૧૦ જાન્યુઆરી ૧૯૫૪ના ૩.૩ ડિગ્રીએ લઘુતમ ઉષ્ણતામાન નોંધાયું હતું, જે જાન્યુઆરીમાં ઠંડીનો ઓલટાઇમ રેકોર્ડ છે. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ૮ થી ૧૦ ડિગ્રીની આસપાસ લઘુતમ ઉષ્ણતામાન રહેશે.
ગત રાત્રિએ નલિયા-ગાંધીનગર-અમદાવાદ ઉપરાંત અમરેલી, વડોદરા, જુનાગઢ, ડીસા, પાટણ, પોરબંદરમાં પણ લઘુતમ ઉષ્ણતામાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ ઉષ્ણતામાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો નોંધાશે.