ગુજરાતમાં બે દિવસની કોલ્ડવેવની આગાહીને પગલે સોમવાર, 23 જાન્યુઆરી 2023એ ગુજરાતના લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. લોકોએ વહેલી સવારથી હાડ થિજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.
અમદાવાદ અને ભાવનગરમાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 10.5 ડિગ્રી સેલ્સિયસ અને 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યની રાજધાની ગાંધીનગર સોમવારે લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર હતું. ગાંધીનગર ઉપરાંત નલિયા 8 ડિગ્રી, કેશોદમાં 8.1 ડિગ્રી, અમરેલીમા 9.5 ડિગ્રી, રાજકોટમાં 9.7 ડિગ્રી અને ભુજ 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આ પછીના બે દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે.
સોમવારે મહત્તમ તાપમાન 25.7 ડિગ્રી સેલ્સિયસના સામાન્ય તાપમાન કરતાં 2.6 ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસના તાપમાન કરતાં કરતાં 1.7 ડિગ્રી ઓછું હતું.
અગાઉ હવામાન વિભાગે ગુજરાત તથા દીવ-દમણ, દાદરાનગર હવેલી માટે 23 અને 24 જાન્યુઆરી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી હતી. આ આગાહીને પગલે અમદાવાદ જિલ્લા કલેક્ટર ડોક્ટરે જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ લોકોને સાવચેતીના પગલાં લેવા અને અસરકર્તાઓને જરૂરી તમામ મદદ કરવા માટે સૂચના અપાઈ હતી. વહીવટીતંત્રે આગામી થોડા દિવસો દરમિયાન શીતલહેરની સંભાવનાને પગલે લોકો હવામાન વિભાગની આગાહી માટે રેડિયો, ટીવી અને અખબારો જેવા માધ્યમમાં પ્રસારિત સત્તાવાર સૂચનાને ધ્યાનમાં રાખવાની સૂચના આપી હતી.