બ્રિટનમાં સુકા નાસ્તાનું ખાદ્ય સામ્રાજ્ય ઉભુ કરનાર લેસ્ટરના વિખ્યાત કોફ્રેશ ફૂડને શરૂ કરવામાં સહાય કરનારા દિનેશભાઇ અને સવિતાબેન પટેલે રટલેન્ડ વોટરના કાંઠે આવેલી ઐતિહાસિક રટલેન્ડની બાર્ન્સડેલ હોલ હોટેલ ખરીદી લીધી છે.
પટેલ દંપત્તીએ જણાવ્યું હતું કે “અમે જેવી આ હોટેલને જોઇ તે જ ક્ષણે અમે તેના પ્રેમમાં પડ્યા હતા અને તેને આગલા તબક્કે લઈ જવાની તક મળતા અમે અતિ ઉત્સાહિત છીએ. અમે છેલ્લા કેટલાક મહિનામાં અસાધારણ મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવામાં ખુશી અનુભવીએ છીએ, જે હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દરેક માટે પડકારરૂપ અને મુશ્કેલ સમય રહ્યો છે. તમામ સ્તરે કર્મચારીઓની પ્રતિબદ્ધતા અને વફાદારી અવિશ્વસનીય રહી છે. આવાસ અને મેદાન સુંદર દેખાઈ રહ્યા છે અને અમે ગુણવત્તા, લક્ઝરી અને સેવાના ખૂબ ઉચ્ચતમ ધોરણો પર પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીને મહેમાનોનું ફરી સ્વાગત કરવા માટે આતુર છીએ.”
બાર્ન્સડેલ હોલ હોટેલ, ફ્રેન્ક નાઈટ એસ્ટેટ એજન્ટ સાથે £10 મિલિયનની કિંમત સાથે બજારમાં મુકાઇ હતી. દંપતીએ પેનમેન ગ્રુપના અધ્યક્ષ અને યુકેના અગ્રણી ઉદ્યમીઓમાંના એક ડેરેક પેનમેન પાસેથી રોકાણ તરીકે આ હોટેલ ખરીદી છે.
આ લેકસાઇડ રિસોર્ટ 1890માં છઠ્ઠા અર્લ ફિટ્ઝવિલીયમના કૌટુંબીક હંટીંગ લોજ તરીકે બનાવવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ઇંગ્લેન્ડના એલાઇટ ક્લાસના અન્ય સભ્યો સાથે વિન્ડસરના ડ્યુક એડવર્ડ સહિતની રોયલ્ટી સાથે હોસ્ટ કરી હતી.
55 એકરના લેકસાઇડ રિસોર્ટમાં 66 ગેસ્ટ બેડરૂમ, 49 ટાઇમશેર લૉજ અને એપાર્ટમેન્ટ્સ, 11 ફંક્શન સ્વીટ, ચાર બાર અને રેસ્ટૉરન્ટ્સ, સ્વિમિંગ પૂલ, સ્ક્વોશ અને ટેનિસ કોર્ટ અને એસી સ્ટુડિયો, જિમ અને સ્પા છે.
પટેલ પરિવારે કોફ્રેશને વાઈબ્રન્ટ ફૂડ્સને વેચી નવી પેરેન્ટ કંપનીમાં લઘુમતી હિસ્સો ખરીદ્યો છે. આ દંપતીના પુત્ર પ્રિયેશ પટેલ નનીટનમાં નવી ફેક્ટરીમાં £20 મિલિયનનું રોકાણ કરશે જ્યાં તેઓ આરોગ્યપ્રદ ઇટ રીઅલ નાસ્તાના ઉત્પાદનને આગળ વધારશે. પરંપરાગત કોફ્રેશ નાસ્તાનું ઉત્પાદન લેસ્ટરના મેન્ઝીઝ રોડ પર ચાલુ રહેશે.