ઘણાં લાંબા સમયથી બ્રિટનમાં ‘ટી બ્રેક’ શબ્દ પ્રચલિત હતો પરંતુ કોફીએ યુકેના મનપસંદ પીણા તરીકે પરંપરાગત ચાના કપને પાછળ છોડી દીધો છે. હવે બ્રિટિશ લોકો ચા કરતાં વધુ નિયમિતપણે કોફી પીવે છે અને જ્યારે તેઓ ગ્રોસરીની ખરીદી કરે છે ત્યારે તેના પર વધુ ખર્ચ કરે છે. આજ રીતે હવે કોફી શોપમાં પણ ગ્રાહકોની તેજી જોવા મળે છે.
સ્ટેટિસ્ટા ગ્લોબલ કન્ઝ્યુમર સર્વે દ્વારા 2,400 લોકોનો સર્વે કરાતા 63 ટકા ગ્રાહકોએ જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે કોફી પીતા હતા જ્યારે 59 ટકાએ નિયમિતપણે ચા પીતા હતા તેમ કહ્યું હતું. કંતારના સંશોધકોએ શોધ્યું હતું કે માર્ચ 2023 સુધીમાં સુપરમાર્કેટમાંથી ગ્રાહકોએ 533 મિલિયનથી વધુ કોફીના પેક ખરીદ્યા હતા. જેની સરખામણીમાં ચાના 287 મિલિયન પેક ખરીદાયા હતા.
બ્રિટિશ કોફી એસોસિએશન અનુસાર, બ્રિટનના લોકો દરરોજ લગભગ 98 મિલિયન કપ કોફી પીવે છે. હાઈ સ્ટ્રીટ પર કેફે કલ્ચર વિકસી રહ્યું છે. કોફી શોપમાં જતા 80 ટકા લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત જાય છે તો 16 ટકા લોકો દરરોજ મુલાકાત લે છે.