ભારત સરકારે અંકલેશ્વરમાં ભારત બાયોટેકના વેક્સિન ઉત્પાદન પ્લાન્ટમાં સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી છે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ મંગળવારે ટ્વીટ કરીને આપી હતી. આ મંજૂરીથી ભારતમાં કોરોના વેક્સિનના ઉત્પાદનને વેગ મળવાની શક્યતા છે.
વિદેશી વેક્સિનની મંજૂરી વચ્ચે ભારતીય વેક્સિન કોવેક્સિનના ડોઝનું પ્રોડક્શન વધારવાના પ્રયાસ પણ ચાલી રહ્યાં છે. મનસુખ માંડવીયાએ ટ્વિટ કરી જાહેરાત કરી કે, હવે ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનનું પ્રોડક્શન ગુજરાતના અંકલેશ્વરમાં પણ થશે. કેન્દ્ર સરકારે અગાઉ જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ વેક્સિનના ડોઝનું પ્રોડક્શન વધારી મહિને 12 કરોડથી વધુ ડોઝ કરવાનો લક્ષ્યાંક છે. જ્યારે કોવેક્સિનનું પ્રોડક્શન 2.5 કરોડથી વધારી 5.8 કરોડથી વધુ ડોઝ દર મહિને કરવાનો લક્ષ્યાંક છે. ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિન સિમ્પોટોમેટિક કોરોના મામલે 77.8 ટકા અસરકારક છે. જ્યારે ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ તે 65.2 ટકા જેટલી અસરકારક છે.