ભારતમાં પ્રથમવાર ગુજરાતના કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં શનિવારથી “સમુદ્રી સીમાદર્શન”નો પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડની ફિઝિકલી પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂ-સીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સિરક્રિક પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ થકી બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરાયું હતું.

કચ્છમાં આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે જાણકારી મેળવે તેમજ અહીંની સરહદ પર તૈનાત બીએસએફના જવાનોની કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ભારતમાં પ્રથમવાર “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ થયો છે. ભારતના કચ્છ જિલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો પણ હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડનો પણ લાભ લઈ શકાશે તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે. આ બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલના તબક્કે ૬ સિટર, ૧૨ સિટર અને ૨૦ સિટર આમ અલગ અલગ બોટ ફાળવવામાં આવી છે. જે પૈકી ૬ સીટરની એક બોટ સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. સમુદ્રની ભરતી-ઓટના સમયને ધ્યાને રાખીને આ બોટ-રાઈડ ચલાવવામાં આવશે.

LEAVE A REPLY