સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ નામની કંપનીએ તેના કર્મચારીની બે વર્ષની પુત્રીને દુર્લભ ગણાય તેવી બિમારીની સારવાર માટે રૂ.16 કરોડની જંગી માનવીય સહાય કરી છે. આ બાળકીને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારી થઈ છે અને તેની સારવારે રૂ.16 કરોડની કિંમતના ઝોલગેનસ્મા ઇન્જેક્શનની આયાત જરૂરી છે. સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્મ નામની આ કંપની સરકારી કંપની કોલ ઇન્ડિયાનું એકમ છે.
કંપનીના દિપકા પ્રોજેક્ટ માઇનિંગના જનરલ મેનેજર શશાંક શેખર દેવાંગે જણાવ્યું હતું કે ઓવરમેન તરીકે કામ કરતાં સતિશ કુમાર રવીને શુક્રવારે આટલી રકમનો ચેક આપવામાં આવ્યો હતો.
રવીની પુત્રી સૃષ્ટી રાણી એસએમએ નામની બિમારીથી પીડાય છે. આ બિમારી એક જેનેટિક ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિના કરોડરજ્જુ અને મગજમાં ચેતાતંત્રના કોષ નાશ પામે છે અને વ્યક્તિનો મસલ્સની હલનચલન પર અંકુશ રહેતો નથી. આ બિમારીની સારવાર માટે રૂ.16 કરોડનું ઇન્જેક્શન અમેરિકાથી આયાત કરવું પડે છે.
ગયા વર્ષના ડિસેમ્બરમાં આ બિમારીનું નિદાન થયું હતું. હાલમાં બાળકી દીપકામાં તેના ઘેર પોર્ટેબલ વેન્ટિલેટર સપોર્ટ પર છે. બાળકીને એઇમ્સ દિલ્હી અને બિલાસપુરની એપોલો હોસ્પિટલમાં સારવાર થઈ છે. કોલ ઇન્ડિયા લિમિટેડે આ માનવીય સહાય કરીને એ દાખલો બેસાડ્યો છે કે કર્મચારીઓ અને તેમનો પરિવાર કંપનીની સાચી સંપત્તિ છે અને કોઇપણ ખર્ચે તેમના જીવનનું રક્ષણ પ્રથમ અને સૌથી અગત્યનું કામ છે.