ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે, જ્યારે 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે. કોગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિત અન્ય નેતાઓ વર્ચુઅલ માધ્યમથી સામેલ થયા હતા. કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, અભિષેક મનુ સિંધવી, હરીશ રાવત જેવા નેતા બેઠકમાં સામેલ થયા હતા.
પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજી વાર અધ્યક્ષ બનવા તૈયાર નથી, પરંતુ વરિષ્ઠ નેતા તેમને મનાવવા લાગ્યા છે. આ દરમિયાન ગુલામનબી આઝાદ અને એમ.એ.ખાને રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલો ઊભા કરીને રાજીનામા આપ્યા છે, જેના કારણે કોંગ્રેસના સીનિયર નેતાઓ પણ મૂંઝવણ છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું, આ પછી કોંગ્રેસ પાર્ટીને કોઈ અધ્યક્ષ મળ્યા નથી. સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકે જવાબદારી સ્વીકારી રહ્યા છે,પરંતુ તેમની તબિયત હવે સારી નથી.