ગાંઘીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ માટે માટે ગુરુવારે દિલ્હીમાં રોડ શો કરવા માટે ગયેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમને વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમિટની ચાલી રહેલી તૈયારી અંગે તેમણે વડાપ્રધાનને માહિતાગાર કર્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે મારૂતિ સુઝૂકી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કિન્ચી આયુકાવા, અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ, પીઆઈ ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલ, JCBના CEO દીપક શેટ્ટી, અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ, DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્મા તેમજ ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી, જેમાં અવાડા એનર્જીએ ગુજરાતમાં એનર્જી સેક્ટરમાં રૂ.20 હજાર કરોડનું રોકાણ કરવા તૈયારી દર્શાવી હતી.
મુખ્યપ્રધાન મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું. અવાડા એનર્જી પ્રા.લિ.ના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં તેમણે આવનારાં પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં રૂ.20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.