જમ્મુ-કાશ્મીરમાં શરૂ થયેલી પવિત્ર અમરનાથની ગુફા નજીક આભ ફાટતા ૧૫ યાત્રીઓઓનાં મોત થયા હતા. જ્યારે અંદાજે 40 યાત્રાળુઓ ગુમ થતા તેમને શોધવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ, આઈટીબીપીના જવાનોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. વાતાવરણ અચાનક પલટાતા યાત્રીઓના 40 જેટલા ટેન્ટ તણાયા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોઅર હોલી કેવ નજીક જ્યાં આ ઘટના બની છે ત્યાં 80થી 100 તંબુ હતા. આભ ફાટતા પાણીની ઝપટમાં લગભગ 40થી વધુ તંબુ તણાઈ ગયા હોવાની શક્યતા વ્યક્ત થઈ છે. સીઆરપીએફ, આઈટીબીપી અને એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. યાત્રાળુઓના પરિવારજનોને માહિતી મળે તે માટે ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીર પોલીસ હેલ્પલાઈન શરૂ કરશે. એનડીઆરએફના ડીજીએ કહ્યું હતું કે મૃત્યુઆંક વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. બચાવ કામગીરી શરૂ થઈ છે, પરંતુ વાતાવરણ હજુ પણ ખરાબ હોવાથી બચાવ કામગીરી બંધ રાખવી પડી રહી છે. આઈટીબીપીના નિવેદનમાં કહેવાયું હતું કે વાતાવરણ અચાનક પલટાઈ જતાં યાત્રાળુઓને એ સ્થળ છોડીને અન્ય સલામત સ્થળે જવાની સૂચના અપાઈ હતી, પરંતુ યાત્રાળુઓ જગ્યા છોડે તે પહેલાં જ ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. નૈનિતાલમાં ઢેલવા નદીમાં ભારે પૂર આવ્યું હતું. બ્રિજ પરથી પાણી જતું હતું એ વખતે જ બ્રિજ પરથી પસાર થતી એક કાર તણાઈ હતી, જેમાં નવ મુસાફરોનાં મોત થયા હતા. એક યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો. કારમાં કુલ 10 પેસેન્જર્સ હતા. પુલ ઉપર અચાનક પાણી વધી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.