ઓલ્ડહામમાં વસતા ભારતીય સમુદાયની સેવા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ટેમીસાઇડના કાઉન્સિલર વિમલ ચોક્સીને મહારાણીના જન્મ દિને એમ.બી.ઈ. એવોર્ડ એનાયત કરાયો છે.
2007માં ઓલ્ડહામ કાઉન્સિલમાં જોડાયેલા અને એડલ્ટ સોશ્યલ કેર ટીમના 43 વર્ષીય વરિષ્ઠ સભ્ય વિમલ ચોક્સી ઓલ્ડહામ ઇન્ડિયન એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીમાં સદસ્ય છે અને બરોમાં વિવિધ સંસ્થાઓ માટે સ્વયંસેવક રહી ચૂક્યા છે. ત્રણ વર્ષ પહેલાં ટેમીસાઇડ કાઉન્સિલમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય મૂળના કાઉન્સિલર છે.
તેઓ ગ્રેટર માન્ચેસ્ટર ક્ષેત્રમાં કેસ અને કોમ્યુનિટી એક્ટીવીઝમમાં અને લેબર કાઉન્સિલરો અને એમપીને ભારતીય મતદારોના મુદ્દાઓ બાબતે મદદ કરવા મૂલ્યવાન ભૂમિકા ભજવે છે. વિમલ ચોક્સીએ માન્ચેસ્ટરમાં ભારતીય કોન્સ્યુલેટ લાવવા હાકલ કરી છે.
વિમલ ચોક્સીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે “વર્ષોથી મારો સાથ આપનાર દરેક વ્યક્તિ, મારી પત્ની ડિમ્પલ, બાળકો ટીશા અને દેવર્ષી અને હંમેશા મારી પડખે ઉભા રહેનાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું એશ્ટનના સમુદાય અને ખાસ કરીને મારા મત વિસ્તાર વૉટરલૂ માટે સખત મહેનત કરીશ.’’
ઓલ્ડહામ કાઉન્સિલના નેતા, કાઉન્સિલર અરૂજ શાહે વિમલને સન્માન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કાઉન્સિલર વિમલ ચોક્સીનો જન્મ ભરૂચમાં થયો હતો. તેમણે બોર્નમથ યુનિવર્સિટીમાંથી આઇટી અને ઇન્ટરનેશનલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડીગ્રી મેળવી છે. તેઓ સ્થાનિક કેર માર્કેટ માટે સેવા આપે છે અને લેબર પાર્ટીના સક્રિય સભ્ય છે. લંડન અને લેસ્ટરની બહાર 1960ના દાયકાથી ગ્રેટર માન્ચેસ્ટરમાં વસતા ભારતીય સમુદાયને પોતાનો ભારતીય મૂળનો પ્રતિનિધિ ચૂંટતા લગભગ 60 વર્ષનો સમય લાગ્યો હતો.