લેસ્ટરના ભૂતપૂર્વ લોર્ડ મેયર અને નોર્થ એવિંગટનના લેબર કાઉન્સિલર રશ્મિકાંત જોશી લોકડાઉન દરમિયાન સામાજિક અંતરના નિયમોને તોડવા બદલ વિવાદમાં ફસાયા છે અને તેમના આ પગલાની ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. જ્યાં લોકો સામાજિક રીતે અંતર ધરાવતા ન હતા.
જન્માષ્ટમી પ્રસંગે લેસ્ટરના બેલગ્રેવ રોડ પર આવેલા બ્રહ્મ સમાજ નજીકના શિવાલયમાં રશ્મિકાંત જોશી સાથે અન્ય ભક્તો પણ નજરે પડ્યા હતા. જેનું ફૂટેજ ફેસબુક પર શેર કરવામાં આવ્યું હતું. જોશી પોતે રેડીયો દ્વારા વારંવાર સામાજિક અંતરના નિયમોને વળગી રહેવા અન્ય લોકોને વિનંતી કરે છે પરંતુ તેઓ જ નિયમોનો ભંગ કરતા નજરે પડતે લોકોની ટીકાનો ભોગ બન્યા છે.
આ અગાઉ કાઉન્સીલર રૂમા અલી અને જૂનમાં, લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબી લોકડાઉન દરમ્યાન અસંખ્ય વખત તેમના જીવનસાથીના ઘરે જવા બદલ વિવાદમાં સપડાયા છે. શ્રી જોશી પોતે તે શિવાલયના ટ્રસ્ટી છે અને મંદિરમાં ક્રિષ્ના જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે વિડિઓ લેવાયો તે પહેલા બધું બરાબર હતું અને સરકારની માર્ગદર્શિકા અનુસાર સામાજિક અંતરનું પાલન થતું હતું. પરંતુ તે પછી લોકોએ આનંદપૂર્વક નાચવાનું શરૂ કર્યું હતું અને તે કાબૂ બહાર ગયું હતું. મેં તેમાં દખલગીરી કરવાનો પ્રયાસ કરી તેમને માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા નથી તેમ જણાવ્યું હતું. બાળકો પ્રસાદ ઘરાવવા માંગતા હતા અને હું ઝડપથી બધુ આટોપી લઇ રૂમ ખાલી કરાવવા માંગતો હતો.‘’
પોલીસ અને કાઉન્સિલના અધિકારીઓ હવે જે બન્યું છે તે શોધવા માટે મંદિરની મુલાકાત લઇ કાર્યક્રમના આયોજકો સાથે વાત કરશે અને વધુ માહિતી મેળવશે.