સૌરાષ્ટ્રના ગીર પંથકની કેસર કેરી તેની મીઠાશ માટે વિશ્વભરમાં જાણીતી છે. આ કેરીની દેશ-વિદેશમાં નિકાસ થાય છે. પરંતુ આ વર્ષે હજુ પણ કેસરના આંબા પર ફુલ જોવા ન મળતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અત્યારે ઠંડીની સીઝનમાં આંબા પર મોર ફૂટવાનું શરૂ થવું જોઈએ તે થયું નથી. જો આવું ન થાય તો કેરીના ઉત્પાદન પર તેની અસર પડશે અને ખેડૂતોને આર્થિક નુકસાન જવાની સંભાવના હોય છે. આંબા પર મોર ન ફૂટવાને કારણે કેટલાક ખેડૂતો આંબા પર દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ ત્રણ મહિનામાં આંબા પર કેરીનો મોર આવે છે. દર વર્ષે દિવાળી પછી જ આંબા પર ફુલ જોવા મળે છે. પરંતુ ગીર પંથકના ઘણા આંબાના બચીચામાં અત્યારમાં આંબા પર મોર ન આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોર ફૂટવાના પહેલા તબક્કામાં એટલે કે નવેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી આ પ્રક્રિયા અટકી હતી. વધુમાં આ વર્ષે નવરાત્રી સુધી વરસાદ ખેંચાયો હતો. માવઠાને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ રહેતા મોર ફૂટવામાં મોડું થઇ રહ્યું છે. તેથી જીવાતનું પણ આક્રમણ શરૂ થયું હોવાથી ખેડૂતોને આંબા પર દવાનો છંટકાવ કરવો પડી રહ્યો છે.
————