કોરોના વાઈરસની મહામારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21284 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અમેરિકામાં કોરોના વાઈરસના સંક્રમણના કેસ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અહીં બુધવારે કોરાના વાઈરસના કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યો છે. 593 દર્દીઓને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
સ્વિડનની 17 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે કહ્યું છે કે તે કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગઈ હોય તેવું લાગે છે.
તેણે કહ્યું હતું કે તે અને તેના પિતા તાજેતરમાં જ યુરોપનો પ્રવાસ કરીને આવ્યા છે. હાલ તેને કોરોનાના લક્ષણો દેખાયા છે. ઈસ્ટાગ્રામ પર પોતાની વાત કરતા તેણે જણાવ્યું હતું કે મને ખૂબ થાક લાગી રહ્યો છે, શરીર ધ્રુજી રહ્યું છે, ગળામાં દુખાવો થઈ રહ્યો છે અને કફ આવી રહ્યો છે.
મારા પિતામાં પણ આ સમાન લક્ષણો જણાઈ રહ્યા છે. હું હાલ સેલ્ફ આઈસોલેશનમાં છું. મારી માતા અને બહેન પણ જર્મનીની મુલાકાતેથી આવ્યા છે. જોકે મેં હજુ ટેસ્ટ કરાવ્યો નથી.