હોસ્પિટાલીટી અને બ્રિટીશ એશિયન ઇન્ડસ્ટ્રીને બચાવવા સરકારને વિનંતી

0
706

વિવિધ પાર્ટીના સમર્થનથી લેસ્ટર ઇસ્ટના સંસદસભ્ય ક્લૌડિયા વેબ્બ અને અન્ય સાંસદોએ કોરોનાવાયરસના કારણે “અસ્તિત્વને ખતરો” હોવાથી  હોસ્પિટાલીટી અને બ્રિટીશ એશિયન ઇન્ડસ્ટ્રીને બચાવવા ચાન્સેલર ઋષી સુનક અને સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો છે.

ક્લોડિયા વેબ્બ દ્વારા સંકલન કરાયેલા આ પત્રમાં  અન્ય સાંસદોએ સહ-હસ્તાક્ષર કર્યા છે. જેમાં જણાવાયુ હતુ કે હોસ્પિટાલિટી ક્ષેત્રના ઘણા વ્યવસાયો કોરોનાવાયરસ સંકટને કારણે આર્થિક વિનાશનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં સરકારની કઠોર માર્ગદર્શિકાને કારણે તેઓ વ્યવસાયિક સમર્થન માટે પાત્ર બનતા નથી. વેબ્બે લેસ્ટર ઇસ્ટમાં હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીના અનેક ઉદાહરણો પૂરા પાડ્યા હતા જેઓ આર્થિક ટેકો મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે.

લેસ્ટરમાં સંખ્યાબંધ કેટરિંગ અને ઇવેન્ટ્સ કંપનીઓ અન્ય સ્થળોએ લગ્ન અને કોન્ફરન્સ માટે સેવાઓ પૂરી પાડે છે અને તેમનો તમામ બિઝનેસ ખોરવાયો છે. હાલમાં તે રિટેલ, હોસ્પિટાલિટી અને લેઝર ગ્રાન્ટ માટે અયોગ્ય છે અને કેટલીક નાના બિઝનેસની ગ્રાન્ટ માટે તેઓ ખૂબ મોટા છે. બ્રિટિશ એશિયન વેડિંગ ઇન્ડસ્ટ્રીનુ મુલ્ય દર વર્ષે £3 બિલીયનનુ છે. તેમણે સરકારને એવા ઉદ્યોગને બચાવવા હાકલ કરી હતી જે બ્રિટિશ એશિયન સમુદાય માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.

સાંસદોએ સરકારને આહવાન કર્યું હતુ કે ‘’રિટેલ, હોસ્પિટાલિટી અને લેઝર ગ્રાન્ટ ફંડ યોજના હેઠળ નાણાકીય સહાય માટે પાત્ર બને તે માટે ‘હોસ્પિટાલીટી’ની વ્યાખ્યાને વિસ્તૃત કરવી જોઇએ. સ્મોલ બિઝનેસ રિલીફ રેટ માટેની પાત્રતાનું પુન:મૂલ્યાંકન કરો જેથી તે જોખમમાં હોય તેવા ઉદ્યોગોને લાભ મળે. સપ્લાય ચેઇનમાંના વ્યવસાયો કે જે હોસ્પિટાલીટી કંપનીઓને માલ પૂરો પાડે છે તેમને પણ નાણાકીય સહાય માટે પાત્ર બનાવવા જોઇએ.

ક્લૌડિયા વેબ્બે જણાવ્યું હતું કે “લેસ્ટર અને સમગ્ર દેશમાં ઘણા બધા હોસ્પિટાલિટી બિઝનેસીસ અગમ્ય માર્ગદર્શિકાને કારણે તકલીફ ભોગવી રહ્યા છે. દેશનો એશિયન વસ્તી સૌથી વધુ પ્રમાણમાં ધરાવતુ લેસ્ટર એશિયન વેડિંગ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર એવા ઘણા વ્યવસાયો ધરાવે છે. હું ચાન્સેલરને યુકે એશિયન વેડીંગ ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત રાખવા વિનંતી કરું છું.’’