લેસ્ટર ઇસ્ટના 55 વર્ષીય એમપી ક્લાઉડિયા વેબ્બે સપ્ટેમ્બર 2018 અને એપ્રિલની વચ્ચે એક મહિલાને પજવણી કરવાના આરોપને બુધવારે તા. 11 તારીખે નકારી કાઢ્યો છે. તેમને બિનશરતી જામીન આપવામાં આવ્યા હતા અને તેની વધુ સુનાવણી આજ કોર્ટમાં તા. 16 માર્ચે થશે.
વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે ચાર્જની વિગતો સાંભળી હતી જેમાં “ઓછામાં ઓછા બે પ્રસંગોએ” ધમકીઓ આપવાનો સમાવેશ થાય છે.
શ્રીમતી વેબ્બ ડિસેમ્બરની સામાન્ય ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા, જે અગાઉ કીથ વાઝની બેઠક હતી. તે પહેલા તેઓ નોર્થ લંડનના ઇસ્લીંગ્ટનમાં કાઉન્સિલર તરીકે સેવા આપતા હતા અને લેબરની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય પણ હતા. આ કેસનુ પરિણામ ન આવે ત્યાં સુધી સપ્ટેમ્બરમાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મેટ્રોપોલિટન પોલીસના આરોપો અનુસાર આ વર્ષે 25 એપ્રિલે એમપી ક્લાઉડયા વેબ્બે “અસંખ્ય અનિચ્છનીય ટેલિફોન કૉલ્સ કર્યા હતા અને ઓછામાં ઓછા બે પ્રસંગોએ ધમકીઓ આપી હતી.
સુનાવણીની શરૂઆતમાં કોર્ટેની ગ્રિફિથ્સ, ક્યૂસીએ બચાવ કરતા, જજ આર્બથનોટને પૂછ્યું હતું કે ‘’શું વેબ્બને ડોક (કઠેરામાં)માં બેસીને તેમનું સરનામું આપવાની પ્રક્રિયામાંથી માફી આપી શકાય? પણ જજે કહ્યું હતું કે “દરેક વ્યક્તિ આ બિલ્ડિંગમાં ડોકમાં જાય છે.’’ ગ્રિફિથ્સે “સરનામું જાહેર નહિં કરે તો ચાલશે?” એમ પણ પૂછ્યું હતું.
વેબ્બે તેમનું નામ, જન્મ તારીખ અને સાઉથ લંડનના બાર્બિકનમાં એક સરનામુ જણાવ્યું હતું. તેમણે કાળા રંગનો પોશાક પહેર્યો હતો અને તેમના જીવનસાથી અને કુટુંબના મિત્રો પબ્લિક ગેલેરીમાં રહ્યા હતા.