બાળકોને કોવિડ-19થી બચાવવા અને તેમના ભણતરમાં વધુ વિક્ષેપ ન આવે તે માટે ઇંગ્લેન્ડમાં ક્લાસરૂમમાં નવી ટર્મ પહેલા એર ફિલ્ટર્સ અને મોનિટરિંગ ઉપકરણોની તાત્કાલિક જરૂર છે એમ શિક્ષકો, શાળાના આગેવાનો, વહીવટી અને સહાયક સ્ટાફનું પ્રતિનિધિત્વ કરતા સાત સ્કૂલ યુનિયનોએ એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસનને જણાવ્યું છે.
લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા સમર્થિત આ પત્રમાં જણાવાયું છે કે ‘’ઓટમ ટર્મ માટે શાળાઓ ખોલાશે ત્યારે બાળકોને માસ્ક પહેર્યા વગર કે “બબલ્સ”માં એકઠા રહેવાની જરૂરિયાત વગર શાળાઓ ફરીથી ખોલવા વાયરસને ફિલ્ટર કરવા માટેના એર ફિલ્ટર્સ યુનિટ નાંખવા તેમજ હવાના પ્રવાહને ચેક કરવા કાર્બન ડાયોક્સાઇડ મોનિટર નાંખવા જરૂરી છે. કોરોનાવાયરસ મુખ્યત્વે બંધ જગ્યાઓમાં વાયુમાં ફેલાયેલા કણો દ્વારા ફેલાય છે તે જોતાં આ સાધનો જરૂરી છે. ઓટમમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થવાની પ્રબળ સંભાવના છે, વળી ફલૂ અને આરએસવી જેવા અન્ય શ્વસન રોગોની નવી લહેર અંગે પણ ચિંતા છે જે બાળકો માટે કોવિડ કરતાં વધુ ખરાબ છે.”
“ડબલ રસી નહીં લેનાર શાળાના સ્ટાફ, નબળા જૂથો અને સંપૂર્ણ રસી લેનાર સ્ટાફને પણ વાયરસ લાગવાનું અને સંભવિત લોંગ કોવિડનું જોખમ છે. પહેલાથી જ હજારો સ્કૂલ સ્ટાફ તેનાથી પીડિત છે.
આ પત્રમાં સહી કરનારામાં યુનાઈટ, નેશનલ એસોસિએશન ઓફ હેડ ટીચર્સ, એસોસિયેશન ઓફ સ્કૂલ એન્ડ કોલેજ લીડર્સ, NASUWT, નેશનલ એજ્યુકેશન યુનિયન, જીએમબી અને યુનિસનનો સમાવેશ થાય છે. ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશને કહ્યું હતું કે “અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે શાળાઓ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સલામત અને આરામદાયક હોય. સારું વેન્ટિલેશન સતત સરકારી માર્ગદર્શનનો ભાગ રહ્યું છે. જે વિસ્તારોમાં વેન્ટિલેશન નબળું હોય તેને સક્રિય રીતે ઓળખવા જોઈએ જેથી જરૂરી હોય તો તાજી હવાના પ્રવાહને સુધારવા માટે પગલાં લઈ શકાય.”
ફાયર સેફ્ટી અને એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન્સના ગઠબંધને સરકારને ઇંગ્લેન્ડની તમામ નવી અને રીફર્બીશ્ડ શાળાઓમાં આગ લાગે તે વખતે મદદ કરતી પાણી છાંટવાની સ્પીંક્લર્સ સીસ્ટમ ફરજીયાત કરવા આદેશ આપવાનું કહ્યું છે. નેશનલ ફાયર ચીફ્સ કાઉન્સિલ અને રોયલ ઈન્સ્ટિટ્યુશન ઓફ ચાર્ટર્ડ સર્વેયર્સ સહિતના જૂથે જણાવ્યું હતું કે જો તેમ નહિં કરાય તો સરકારની નવીનતમ યોજનાઓ “મોટાભાગની શાળાઓને આગ સામે ખુલ્લી મૂકી દેશે.” હાલમાં માત્ર બોર્ડિંગ અથવા સ્પેશ્યલ નીડ્સ સ્કૂલ અથવા 11 મીટરથી વધુ ઉંચી ઇમારતોમાં જ સ્પિકલર્સ સીસ્ટમ ફરજિયાત બનાવાઇ છે. માર્ચ 2020 સુધીના પાંચ વર્ષમાં, ઇંગ્લેન્ડમાં 1,467 પ્રાથમિક શાળાઓ અને 834 માધ્યમિક શાળાઓમાં આગ લાગવાના બનાવમાં ફાયર બ્રિગેડને બોલાવાઇ હતી. 47 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાની ઇમારતો સંપૂર્ણ રીતે જર્જરિત થઈ ગઈ હતી અને અન્ય 230 શાળાઓને ગંભીર નુકસાન થયું હતું.