કોરોનાના કારણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરાવવામાં આવે એવી શક્યતા છે. બાકીના ધોરણોમાં સરકાર માસ પ્રમોશન આપે તેવી શક્યતા છે.
સામાન્ય રીતે માધ્યમિક શિક્ષણ બોર્ડ દર વર્ષે માર્ચમાં ધો.10 અને ધો.12ની પરીક્ષાનું આયોજન કરે છે અને નવેમ્બરમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાને કારણે બોર્ડની પરીક્ષલક્ષી કામગીરીમાં વિલંબ થયો છે.
માર્ચ 2020માં કોરોના મહામારીને કારણે અત્યાર સુધી તમામ શાળાઓ માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપી રહી છે. કોરોનાની સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે તો અન્ય ધોરણોમાં માસ પ્રમોશન કે અન્ય કોઈપણ રીતે બાળકોને પાસ કરીને આગળના ધોરણમાં લઈ જવામાં આવી તેવી શક્યતા છે.