જૂનાગઢ શહેરમાં શુક્રવારે મોડી રાત્રે મજેવડી દરવાજા વિસ્તારમાં દરગાહનું દબાણ દૂર કરવાના મુદ્દે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન એક વ્યક્તિનું પ્રાથમિક દૃષ્ટિએ પથ્થરની ઈજાના કારણે મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ દરગાહને દૂર કરવાના મ્યુનિસિપલ તંત્રના નિર્ણય સામે મોડી રાત્રે મજેવડી દરવાજા પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન થોડી વાર બાદ ટોળું બેકાબૂ બનતાં પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો હતો.

પોલીસ અને ટોળા વચ્ચે થયેલા આ ઘર્ષણમાં ડીવાયએસપી કક્ષાના અધિકારી સહિત પાંચ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતી અનુસાર ટોળામાં સામેલ અસામાજિક તત્ત્વોએ એસટી બસને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બસ ડ્રાઇવર અને કંડક્ટરને ઈજા થઈ હતી.

ઘર્ષણના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયા હતા. પોલીસે પરિસ્થિતિ થાળે પાડવા અને અસામાજિક તત્ત્વોને શોધવા માટે આખી રાત કોમ્બિંગ હાથ ધરીને 174 શકમંદોની અટકાયત કરી હતી. મજેવડી દરવાજા પાસે રસ્તા પાસે આવેલી એક દરગાહ દૂર કરવા માટે સ્થાનિક મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા બે દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને ‘ગેરકાયદે બાંધકામ’ દૂર કરવા જણાવાયું હતું. નોંધનીય છે કે જૂનાગઢમાં તાજેતરમાં વિકાસનાં અનેક કામોને લઈને નરસિંહ મહેતા સરોવર તેમજ ઉપરકોટ વિસ્તારમાં અનેક દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY