પંજાબ-હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પરથી શુક્રવારે ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ ચાલુ કરતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલી અથડામણમાં 6થી વધુ ખેડૂતો ઘાયલ થયાં હતાં. ખેડૂતોને આગળ વધતાં અટકાવવા માટે પોલીસે અનેક રાઉન્ડ ટીયરગેસના શેલ છોડ્યાં હતાં. પોલીસની કાર્યવાહીથી ખેડૂતોએ પીછેહટ કરી હતી અને દિલ્હી તરફની તેમની પદયાત્રા સ્થગિત કરી હતી.
કેટલાક ખેડૂતો રોડ પરથી લોખંડના ખીલાઓ અને કાંટાળા તાર ઉખેડી નાંખ્યા હતાં. ખેડૂતોએ શણના ભીના કોથળાથી ટીયરગેસથી પોતાનો બચાવ કર્યો હતો. ખેડૂતોએ દાવો કર્યો હતો કે હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે આગળ વધવા માંગતા જૂથ પર ટીયરગેસના શેલ છોડ્યા હતાં.
સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું હતું કે કેટલાક ખેડૂતોને થયેલી ઈજાઓને કારણે અમે આજે ખેડૂતોના જૂથને પાછું બોલાવ્યું છે. હરિયાણાના સુરક્ષા સુરક્ષા જવાનોએ ટીયરગેસના શેલ છોડતાં પાંચથી છ આંદોલનકારી ખેડૂતો ઘાયલ થયા હતાં. ઘાયલ ખેડૂતોને હોસ્પિટલમાં જઈ લવાયા હતાં. ખેડૂતોના બે સંગઠનો સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચા એક બેઠક યોજ્યા પછી ભાવિ પગલાં નક્કી કરશે.
શુક્રવારે 101 ખેડૂતોના જૂથેએ શંભુ બોર્ડર પરના તેમના આંદોલન સ્થળથી દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી હતી, પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ અગાઉથી બહુસ્તરીય બેરિકેડિંગ કર્યું હતું. હરિયાણા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળના પ્રતિબંધિત આદેશનો ટાંકીને ખેડૂતોને આગળ ન વધવા અનુરોધ કર્યો હતો. અંબાલા જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.ખેડૂતો કૃષિ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી સહિતના માગણીઓ કરી રહ્યાં છે.
ખેડૂતો તેમની કૂચ શરૂ કરવાના થોડા સમય પહેલા હરિયાણા સરકારે સાવચેતીના પગલાં તરીકે અંબાલા જિલ્લાના 11 ગામોમાં 6-9 ડિસેમ્બર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. સરકારે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કર્યું હતું. અગાઉ, અંબાલા જિલ્લા સત્તાવાળાઓએ તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.