સિટીગ્રુપે તેની મુખ્ય હરીફ જેપી મોર્ગન ચેઝના વિશ્વાસ રાઘવનને બેંકિંગના વડા અને એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. સિટી ગ્રુપના CEO જેન ફ્રેઝર છેલ્લાં કેટલાંક દાયકાઓમાં સૌથી મોટું પુનર્ગઠન હાથ ધરી રહ્યાં છે ત્યારે હરીફ કંપનીમાંથી મુખ્ય એક્ઝિક્યુટિવ ખેંચી લાવવામાં તેને સફળતા મળી છે.
સિટીગ્રુપે સોમવારે આંતરિક મેમોમાં જણાવ્યું હતું કે રાઘવન સમરમાં બેન્કિંગ યુનિટનો કાર્યભાર સંભાળે તેવી શક્યતા છે. તેઓ એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ ટીમાં જોડાશે અને ફ્રેઝરને સીધો રિપોર્ટ આપશે.
મુંબઈ અભ્યાસ કરનારા રાઘવન તેમની નવી ભૂમિકામાં બેન્કના પાંચ મુખ્ય બિઝનેસમાંથી એકનું સંચાલન કરશે. આ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ, કોર્પોરેટ એન્ડ કોમર્શિયલ બેન્કિંગ સાથે જોડાયેલો છે. ફ્રેઝરે સપ્ટેમ્બરમાં પુનર્ગઠન કર્યા પછીથી સિટીગ્રુપ બેન્કિંગ વડાની શોધ કરી રહ્યું હતું. સિટીગ્રુપને વધુ નફાકારક બનાવવા માટે ફ્રેઝરને એક અનુભવી ડીલમેકરના સ્વરૂપમાં રાઘવનની મદદ મળશે. વળતરમાં સુધારો કરવા માટે ફ્રેઝર સિટીગ્રુપની બહારથી પણ ટોપ ટેલેન્ટ આકર્ષવા માટે તૈયાર છે. અગાઉ ઝડપી વિકસી રહેલા વેલ્થ બિઝનેસના વડા તરીકે બેન્ક ઓફ અમેરિકાના એન્ડી સીઝને લાવવામાં આવ્યાં હતા.
ફ્રેઝરે આંતરિક મેમોમાં જણાવ્યું હતું કે “વિસ એક સફળ લીડર છે અને તેમની નિમણૂક અમારી કંપનીમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવાની અમારી ક્ષમતાનું વધુ એક ઉદાહરણ છે. અમારી બેંકિંગ ફ્રેન્ચાઈઝી માટે આ મહત્ત્વની ક્ષણે સત્તા સંભાળવા માટે વિઝ યોગ્ય વ્યક્તિ છે.”
સિટીએ રાઘવનની નિમણૂકની જાહેરાત કરતાં જેપી મોર્ગને ડગ પેટનો અને ફિલિપો ગોરીને વૈશ્વિક બેંકિંગ વડા તરીકે પ્રમોશન આપ્યું હતું.