કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) 64 એરપોર્ટ અને 11 ખાનગી કંપનીઓને સુરક્ષા પૂરી પાડે છે. આ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા સ્ટીલ અને ઇન્ફોસિસ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે, એમ કેન્દ્રીય રાજ્યકક્ષાના ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું.
રાજ્યસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે જોખમની ધારણાને આધારે CISFની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આવી સુરક્ષા માટે કંપનીના મેનેજમેન્ટે ખર્ચ આપવાની પ્રતિબદ્ધતા આપવી પડે છે. હાલમાં CISF ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્ર સહિતની 11 ખાનગી કંપનીઓને સુરક્ષા આપે છે. CISF તૈનાત કરવામાં આવ્યા છે તેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં બેંગલુરુમાં ઇલેક્ટ્રોનિક સિટી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, બેંગલુરુમાં ઇન્ફોસિસ ટેકનોલોજી, મૈસૂરમાં ઇન્ફોસિસ ટેકનોલોજી, પૂણેમાં ઇન્ફોસિસ ટેકનોલોજી, હરિદ્વારમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક અને મુંબઈમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્ક કેમ્પસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જામનગરમાં નયારા એનર્જી લિમિટેડ, ઓડિશાના કલિન્ગનગરમાં ટાટા સ્ટીલ, જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હૈદરાબાદમાં ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ, મુંબઈમાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ થાય છે.
પ્રધાને જણાવ્યું હતું કે CISF ધારા, 1968 હેઠળ CISFની રચના કરવામાં આવી છે. આ ધારાનો હેતુ કેન્દ્ર અને રાજય સરકારોની માલિકી અને અંકુશના ઔદ્યોગિક સાહસો, સંયુક્ત સાહસો અથવા ખાનગી ઔદ્યોગિક સાહસોને વધુ સારી સુરક્ષા પૂરી પાડવાનો છે.હાલમાં CISF 64 એરપોર્ટને સુરક્ષા પૂરી પાડે છે. આ એરપોર્ટમાં સંયુક્ત સાહસો અને જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ આધારિત એરપોર્ટનો સમાવેશ થાય છે.