દેશમાં 2020ના વર્ષમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સામેના ગુનામાં વધારો ચાલુ રહ્યો હતો. આ સમુદાયો સામેના સૌથી વધુ ગુના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં થયા હતા, એમ સરકારના તાજેતરના ડેટામાં જણાવાયું હતું.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના ડેટા મુજબ ગયા વર્ષે એસી સામેના ગુનાના 50,291 કેસ નોંધાયા હતા, જે 2019ની સરખામણીમાં 9.4 ટકાનો વધારો દર્શાવે છે. ક્રાઇમ રેટ પણ ગયા વર્ષના પ્રતિલાખની વસતિએ 22.8 ટકાથી વધીને 2020માં 25 ટકા થયો હતો. 2020માં એસસી સામેના ગુના અથવા અત્યાચારના કેસમાં સામાન્ય ઇજાના કેસ 32.9 ટકા (16,543) હતા. રેપના 3,372 કેસ નોંધાયા હતા, જ્યારે મહિલા પર હુમલાના 3,373 કેસ નોંધાયા હતા. હત્યાના 855 અને હત્યાના પ્રયાસના 1,119 કેસ નોંધાયા હતા.
NCRBના ડેટા અનુસાર અનુસૂચિત જનજાતિ સામે 2020માં ગુનાના કુલ 8,272 કેસ નોંધાયા હતા, જે 2019 (7,570 કેસ)ની સરખામણીમાં 9.3 ટકાનો વધારો દર્શાવે છે. ક્રાઇમરેટ પણ 7.3 ટકાથી વધીને 7.9 ટકા થયો હતો.
ગયા વર્ષે ઉત્તરપ્રદેશમાં એસસી સામે ગુનાના સૌથી વધુ 12,714 કેસ (25.2 ટકા) કેસ નોંધાયા હતા. બિહારમાં 7,368 (14.6 ટકા), રાજસ્થાનમાં 7,017 કેસ (13.9 ટકા), મધ્યપ્રદેશમાં 6,899 કેસ (13.7 ટકા) અને મહારાષ્ટ્રમાં 2,569 (5.1 ટકા) કેસ નોંધાયા હતા. દિલ્હીમાં 69 કેસ નોંધાયા હતા.
ગયા વર્ષે એસટી સામેના ગુનાના મધ્યપ્રદેશમાં સૌથી વધુ 2,401 (29 ટકા) કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં 1,878 (22.7 ટકા), મહારાષ્ટ્રમાં 663 કેસ (8 ટકા), ઓડિશામાં 624 કેસ (7.5 ટકા) અને તેલંગણામાં 573 કેસ (6.9 ટકા) થયા હતા.