રણવીર સિંહની 23 ડિસેમ્બર 2022એ રીલિઝ થયેલી ફિલ્મ સર્કસ પણ નિષ્ફળ રહેતા આ એક્ટરે ફ્લોપ ફિલ્મોની હેટ્રીક કરી છે. અગાઉ 13 મે 2022માં રીલિઝ થયેલી ફિલ્મ જયેશભાઇ જોરદાર અને 23 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ “83” ફ્લોપ રહી હતી. જયેશભાઇ જોરદારે રૂ.15.59 કરોડની કમાણી કરી હતી, જ્યારે ક્રિકેટ આધારિત “83”એ રૂ.109.02 કરોડની કમાણી કરી હતી. લગભગ રૂપિયા 120 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ સર્કલ માત્ર રૂ.29 કરોડની કમાણી કરી શકી હતી. હોલિવૂડ ફિલ્મ ‘અવતાર’ને મળી રહેલા જબરજસ્ત પ્રતિભાવને કારણે બીજા અઠવાડિયામાં થીયેટર્સ ઓનર્સે ‘સર્કસ’ના શો પણ ઘટાડી દીધા છે.
રોહિત શેટ્ટી અને રણવીર સિંહની જોડી તેમની ફિલ્મ ‘સર્કસ દ્વારા જે પ્રકારની જમાવટ કરવા ઈચ્છતી હતી તે થઈ શકી નથી. ઓડિયન્સને તેમનું સર્કસ ફિક્કું લાગ્યું હતું. દીપિકા અને રણવીરનું ‘કરન્ટ લગા’ સોન્ગ ઓડિયન્સને પસંદ તો આવ્યું પણ ફિલ્મ મામલે દર્શકો નકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે.
રોહિત શેટ્ટીએ ટીમને સફળ બનાવવા માટે રણવીરની સાથે જેકલીન ફર્નાન્ડિઝ, પૂજા હેગડે અને વરુણ શર્માને સામેલ કર્યા હતા. ફિલ્મમાં કોમેડીયન્સની ભરમાર પણ ફિલ્મને બચાવી શકી નથી. સંજય મિશ્રા, જોની લિવરની મહેનત પણ બેકાર ગઈ છે. બોલિવૂડ માટે ચાલી રહેલા ખરાબ સમયમાં ફિલ્મને સફળ કરાવવા માટે ફિલ્મના પ્રમોશન પર ઘણું બજેટ ખર્ચાયું હતું પણ દર્શકો થીયેટર્સથી દૂર જ રહ્યા છે.