Election Commission's tough stance against candidates with criminal record
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

રાજકીય પક્ષોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી શા માટે કરી છે તે સમજાવતા કારણો ફરજિયાત જાહેર કરવા પડશે. ચૂંટણીને વધુ પારદર્શક બનાવવાના હેતુ સાથે ચૂંટણીપંચે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી શા માટે કરી તેના કારણો જાહેર કરવાનું તમામ રાજકીય પક્ષોએ માટે ફરજિયાત કર્યું છે. ચૂંટણીપંચે પાંચ રાજ્ય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરતાં આ નિયમની પણ જાહેરાત કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પેન્ડિંગ ગુનાહિત કેસો સાથેના ઉમેદવારો અંગેની વિગતવાર માહિતી વેબસાઇટ પર અપલોડ કરવાનું રાજકીય પક્ષો માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ માહિતી ચૂંટણી પંચની ‘તમારા ઉમેદવારોને જાણો’ વેબ પેજ પર અપલોડ કરવામાં આવશે, જેથી મતદાતા માહિતગાર નિર્ણય કરી શકે.

ગયા વર્ષના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે રાજકીય પક્ષોએ ગુનાહિત પૂર્વભૂમિકા સાથેના તેમના ઉમેદવારોની માહિતી તેમની વેબસાઇટ, સોસિયલ મીડિયા અને વર્તમાનપત્રોમાં જાહેર કરવું જોઇએ. ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શકતા અને ઉત્તરદાયિતા માટે આ સૂચન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ આવા ઉમેદવારોના વિજયની ક્ષમતાનું કારણ આપી શકશે નહીં. કોર્ટે ફેબ્રુઆરી 2020ના આદેશમાં જણાવ્યું હતું કે ઉમેદવારીપત્ર ભરવાના 48 કલાકમાં એક સ્થાનિક વર્તમાનપત્ર અને એક રાષ્ટ્રીય વર્તમાનપત્રમાં આવી વિગતો પ્રકાશિત કરવી જોઇએ. ઉપરાંત ફેસબૂક અને ટ્વીટર જેવા સોસિયલ મીડિયામાં માહિતી પોસ્ટ કરવી જોઇએ.

ચુકાદા મુજબ રાજકીય પક્ષોએ 72 કલાકમાં નિયમ પાલનના અહેવાલ પણ આપવાનો રહેશે. જો પક્ષો આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહે તો તેમની સામે તિરસ્કારના આરોપ મૂકવામાં આવશે. યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપૂરમાં સાત તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.