94 વર્ષના શ્રી ચુનીલાલ ઓધવજી કક્કડને બ્રેન્ટ બરોમાં સામુદાયિક સેવાઓમાં તેમના અવિરત યોગદાન બદલ તાજેતરના ક્વીન્સ બર્થડે ઓનર્સમાં MBE એવોર્ડ એનાયત કરાયો છે. તેમણે પોતાની ઉંમર અને તેની સાથે આવતી બીમારીને ધ્યાનમાં લીધા વિના હંમેશા અન્ય લોકો માટે વિચાર્યું હતું અને સેવા કરી હતી.
1972માં એશિયનોની હકાલપટ્ટી બાદ યુગાન્ડાથી યુકે આવેલા ચુનીલાલ વિવિધ સ્તરે અને હોદ્દા પર કામ કરતી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓમાં જોડાયા હતા. ચુનીલાલને તેમના સ્વયંસેવી કાર્યો માટે બ્રેન્ટ કાઉન્સિલ તરફથી 2009માં કોમ્યુનિટી ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો હતો. ચુનીલાલ બાર્નેટ એશિયન ઓલ્ડ પીપલ્સ એસોસિયેશનના 2012થી અધ્યક્ષ છે જ્યાં તેઓ વૃદ્ધ એશિયનોને સુખાકારી અને સામાજિક જરૂરિયાતો માટે મદદ કરે છે. તેઓ બાર્નેટ મલ્ટીકલ્ચરલ સેન્ટરના અધ્યક્ષ છે. BMCC ખ્રિસ્તી, મુસ્લિમ અને હિંદુ ધર્મોના જૂથો વચ્ચે સાંસ્કૃતિક વિવિધતા અને સમુદાયના જોડાણને મજબૂત કરવા માટે કામ કરે છે જેને 2013માં બાર્નેટ સિવિક એવોર્ડ અપાયો હતો.
ચુનીલાલે પોતાનો મોટાભાગનો ખાલી સમય અન્ય લોકો માટે સમર્પિત કર્યો છે અને ઘણા લોકોના જીવનને સુધારવામાં બિનશરતી સહાયની ઓફર કરી છે.