કોરોના મહામારીના ઉદભવ અને દુનિયાભરમાં ફેલાવા મુદ્દે અમેરિકા-ચીન પરસ્પર આરોપોનો મારો કરી રહ્યા છે, એવા સમયે લેટિન અમેરિકાના દેશોનો ચીન તરફ ઝૂકાવ જોવા મળી રહ્યો છે. લેટિન અમેરિકાના દેશોને કોવિડ-19 સામેની લડાઇમાં ચીન મેડિકલ ઇક્વિપમેન્ટ, નિષ્ણાંતોની ટીમ જેવી મદદ પહોંચાડી રહ્યુ છે.
ચીનની આ નીતિને કેટલાક વિશેષજ્ઞો ચીનની નવી માસ્ક ડિપ્લોમેસી ગણાવી રહ્યા છે. બીજા શબ્દોમાં કહાણી બદલવાના ચીનના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યા છે. ચીનમાંથી ઉદભવેલા કોરોના વાયરસથી પ્રભાવિત ચીન હવે તેની પર સંપૂર્ણ રીતે અંકુશ મેળવી લેનાર દેશ તરીકે ઉભરી આવ્યો છે. એની સામે પશ્ચિમના દેશોને લાગતુ હતું કે કોરોના વાયરસથી તેઓ ઘણા દૂર છે, પરંતુ હવે તેઓ ચીન પાસે મદદ માંગી રહ્યા હોવાના અહેવાલ છે.
ચીન દુનિયા સમક્ષ તેની છબી સુધારવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. જેમાં ચીને અમેરિકાના પડોસી દેશ વેનેઝુએલાની પસંદ કરી તેને મદદ મોકલી હતી. જોકે આ યાદીમાં વેનેઝુએલાની સાથે બોલિવિયા, ઇક્વાડોર, આર્જેન્ટીના અને ચિલી જેવા દેશો પણ સામેલ છે. આ દેશોમાં ચીને તેના વિશેષજ્ઞો પણ મોકલ્યા છે.
આ દરમિયાન લેટિન અમેરિકન દેશોએ ચીન પાસેથી મોટી ખરીદી પણ કરી છે. મેક્સિકોએ હાલમાં જ ચીનને 56.4 મિલિયન અમેરિકન ડોલરનો મેડિકલ સપ્લાયનો આર્ડર આપ્યો છે. જેમાં એક કરોડ પંદર લાખ KN95 માસ્ક પણ સામેલ છે.