ડેટિંગ સાઇટ પર મળ્યા બાદ એક મહિલા પર બળાત્કાર ગુજારનાર લીડ્સના કાર્ડિગન રોડ પર રહેતા 34 વર્ષના ચિન્મય પટેલને બુધવાર 24 જૂનના રોજ સધર્ક ક્રાઉન કોર્ટે નવ વર્ષની સજા ફટકારી હતી. આ અગાઉ શુક્રવાર, 14 મેના રોજ તેજ કોર્ટમાં બળાત્કારના બે કાઉન્ટ બદલ તે દોષીત સાબિત થયો હતો.
શાદી.કોમ વેબસાઇટ દ્વારા ચેટ કર્યા બાદ ચિન્મય પટેલ 3 ફેબ્રુઆરી 2017ના રોજ એક મહિલાને મળ્યો હતો. તેમણે બેઝવોટર વિસ્તારમાં બે બારની મુલાકાત લીધી હતી. વેસ્ટમિંસ્ટરના ફ્લેટમાં એકસાથે જતાં પહેલાં તે મહિલાએ સ્પષ્ટ કર્યું હતું કે તે પહેલી મુલાકાતમાં કિસ કરશે નહિં. ત્રીસેક વર્ષની મહિલા સંમત થઇ હતી કે સવારે લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટથી કોઈને લેવા જતા પહેલા ચિન્મય પટેલ તેના ઘરે સુઇ શકે છે.
ચિન્મય પટેલે વેસ્ટમિંસ્ટરના ફ્લેટ પર પહોંચ્યા તેના થોડા સમય પછી અને ફરીથી 4 ફેબ્રુઆરી 2017ની સવારે મહિલા પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. તે મહિલા તે મહિનાના અંતે હેવન ગઈ હતી અને પોલીસ તપાસ માર્ચ 2017માં શરૂ થઈ હતી, જેમાં મહિલાને નિષ્ણાત અધિકારીઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.
ચિન્મય પટેલની 30 એપ્રિલ 2017ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ માટે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. 29 જુલાઈ 2020 ના રોજ તેના પર બળાત્કારના બે કાઉન્ટનો આરોપ મૂકાયો હતો.
મેટ પોલીસના સેફાયર યુનિટના ડિટેક્ટીવ સાર્જન્ટ વિકી પિયર્સે જણાવ્યું હતું કે: ” ચિન્મય પટેલના હુમલાની અસરો આવનારા વર્ષો દરમિયાન મહિલાના માનસ પર રહેશે. હું આશા રાખું છું કે આ નોંધપાત્ર સજા બળાત્કારનો ભોગ બનેલા લોકોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરશે.”