ચિન્મય મિશન યુકે દ્વારા ચિન્મય કીર્તિ, 2 એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન NW4 4BA ખાતે આવેલા રીફર્બીશ્ડ્ સેન્ટરમાં રવિવાર, તા. 2 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સેંકડો લોકોએ હાજરી આપી હતી આ પ્રસંગે હનુમાન ચાલીસાના 108 પાઠ કરવામાં આવ્યા હતા અને સૌએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ પ્રસંગે બે બાળકોની માતા અનોલીએ કહ્યું હતું કે “ચિન્મય કીર્તિ ખાતે હનુમાન જયંતિ ભક્તિ, સંગીત અને સમુદાયને સંપૂર્ણ રીતે જોડે છે. તે આપણા બધાને ઉત્થાન આપે છે.” તો આખો દિવસ વિતાવનાર સાત વર્ષની સાક્ષીએ કહ્યું હતું કે “આસપાસના સંગીત સાથે સ્ટેજ પર હોવું તે ખરેખર એક સરસ અનુભૂતિ છે. મને ત્યાં રહેવું ગમે છે.”
આ કાર્યક્રમમાં સંસ્થાના નિવાસી આચાર્ય (શિક્ષક) બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્યએ ભગવાન હનુમાન શા માટે ખૂબ જ આદરણીય છે તેની માહિતી આપી હતી. રૂબરૂ મુલાકાત લઈ નહિં શકતા લોકો માટે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમીંગનું આયોજન પણ કરાયું હતું.
ચિન્મય મિશન કોઈપણ પૃષ્ઠભૂમિની વ્યક્તિઓ માટે વેદાંત, સંસ્કૃત અને ઉપનિષદથી લઈને ભક્તિ ગીત, અને બાળકોના મૂલ્ય શિક્ષણ સુધીના સાપ્તાહિક વર્ગો યોજાય છે તથા વ્યક્તિગત વૃદ્ધિ અને વિકાસ માટેના વ્યવહારુ માધ્યમો પ્રદાન કરે છે. જે તેમને સમાજમાં સકારાત્મક યોગદાનકર્તા બનવા સક્ષમ બનાવે છે.
કાર્યક્રમો, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વર્ગો માટે જુઓ www.chinmayauk.org