બંગાળની ખાડીમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલના પરિક્ષણની ભારતની સંભવિત યોજના પહેલા હિંદ મહાસાગર વિસ્તારમાં ચીનનું જાસૂસી જહાજ જોવા મળ્યું છે. ‘યુઆન વાંગ 5’ નામનું આ જહાજ વિવિધ ટ્રેકિંગ અને સર્વેલન્સ ઉપકરણોથી સજ્જ હોવાનું માનવામાં આવે છે, એમ આ ગતિવિધિથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું.
ચીનની બેલેસ્ટિક મિસાઈલ અને સેટેલાઇટ ટ્રેકિંગ શિપની હિલચાલ પર ભારતીય નૌકાદળ ચાંપતી નજર રાખી રહ્યું હોવાનું માનવામાં આવે છે. ઓગસ્ટમાં શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર આ જહાજ લંગારવામાં આવતા ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો.
ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ ડેમિયન સિમોને સોમવારે ટ્વીટ કર્યું હતું કે “યુઆન વાંગ 5 નામનું ચીનનું મિસાઇલ અને સેટેલાઇટ ટ્રેકિંગ જહાજ હિંદ મહાસાગર વિસ્તારમાં પ્રવેશ્યું છે.” જોકે ભારતે હિંદ મહાસાગર વિસ્તારમાં ચીની જાસૂસી જહાજની હાજરીના અહેવાલો પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
નિર્ધારિત પ્રોટોકોલ મુજબ ભારતે તાજેતરમાં મિસાઇલ પરીક્ષણ વિશે નોટિસ (એરમેનને નોટિસ/એર મિશનને નોટિસ) જારી કરી હતી. ચીનના જાસૂસી જહાજની હાજરીને ધ્યાનમાં રાખીને ભારત મિસાઈલ પરીક્ષણની યોજના પર આગળ વધશે કે નહીં તે સ્પષ્ટ નથી. નિષ્ણાતોના મતે, ચીની જહાજને છેલ્લે ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટમાં જોવામાં આવ્યું હતું.
ચીનના મિલિટરી અને રિસર્ચ જહાજોની વધી રહેલી ચિંતાઓ વચ્ચે ચીનના જહાજની હિંદ મહાસાગરમાં હાજરીના રીપોર્ટ મળ્યા છે.