વિશ્વમાં સૌથી વધુ વસ્તી ચીનમાં છે. ચીનમાં ઘણા વર્ષોથી એક જ બાળકની નીતિ અપનાવવામાં આવી છે. જોકે, હવે ચીનની વસ્તીમાં થોડા સમયમાં ઘટાડો થવાની સંભાવના શરૂ થશે. ચીનમાં જનસંખ્યા નિયંત્રણ નીતિ પર ફરીથી વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે.ચીનના નાગરિક બાબતોના પ્રધાન લી જિહેંગે જણાવ્યું હતું કે, દેશનો કુલ જન્મ દર ચેતવણી રેખાથી નીચે જતો રહ્યો છે અને આ અંગેના નિષ્ણાતોએ આગાહી કરી છે કે, દેશની વસ્તીમાં થોડા સમયમાં ઘટાડો થવાની શરૂઆત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં દસકાઓ સુધી અમલમાં રહેલી એક બાળકની નીતિને વર્ષ 2016માં રદ્ કરવામાં આવી હતી અને બીજા બાળકના જન્મની મંજૂરી આપવામાં આવી હતી. વૃદ્ધ લોકોની વધતી વસ્તીને કારણે ચીન વસ્તીવિષયક સંકટનો સામનો કરી રહ્યું છે. વસ્તી વિષયક નિષ્ણાતોએ સરકારને મર્યાદિત વસ્તી નિયંત્રણ નીતિ અંગે ફરીથી વિચાર કરવા અપીલ કરી છે. સાથે જે તેમણે સરકારને લગ્ન વગર બાળકને જન્મ કરવા બાબતે અને વધુ સહનશીલ વલણ અપનાવવા અને તેમના પાલન-પોષણ તેમ જ શિક્ષણ પર થનારા ખર્ચને વધુ સસ્તો કરવા અનુરોધ કર્યો છે. સરકાર દ્વારા સંચાલિત ‘ગ્લોબલ ટાઇમ્સ’ના સમાચાર મુજબ નાગરિક બાબતોના પ્રધાન લીએ એક આર્ટિકલમાં જણાવ્યું હતું કે, જુદા જુદા પરિબળોની અસરને કારણે ચીનમાં લોકો બાળકો પેદા કરવામાં ઓછો રસ દાખવે છે. કુલ જન્મ દર ચેતવણી રેખાથી ઓછો થયો છે અને વસ્તી વૃદ્ધિ દર મહત્ત્વપૂર્ણ સ્થાને પહોંચ્યો છે.