ચીનના વિદેશ પ્રધાન કિન ગેંગ પછી હવે સંરક્ષણ પ્રધાન લી શાંગફુ લાપતા બન્યાં હોવાની જોરદાર અટકળો ચાલુ થઈ છે. લી શાંગફૂ છેલ્લે 29મી ઓગસ્ટે જાહેરમાં દેખાયા હતા. આ પછીથી તેઓ વિવિધ સંરક્ષણ-સંબંધિત કાર્યક્રમોમાં દેખાય નથી. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન કિન ગેંગને પગલે લી શાંગફુની ગેરહાજરીથી તેઓ પણ લાપતા બન્યાં હોવાની ચર્ચા છે.
ચીનના સંરક્ષણ પ્રધાન લી શાંગફુની જાહેર કાર્યક્રમોમાં લાંબા સમય સુધી ગેરહાજરીએ અફવાઓ અને અટકળોને વેગ આપ્યો છે. આ ઉપરાંત, પ્રેસિડન્ટ શી જિનપિંગ દ્વારા નિયુક્ત પીપલ્સ લિબરેશન આર્મી (PLA) રોકેટ ફોર્સના બે વરિષ્ઠ અધિકારીઓને પણ તેમના હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. આ સંજોગોએ ચીનના નિરીક્ષકો અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાય સવાલો ઉઠાવી રહ્યાં છે.
અગાઉ વિદેશપ્રધાન કિન ગેંગ પણ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને પ્રધાન પદેથી હટાવી દેવાયા હતા. તે એક મહિનાથી વધુ સમય સુધી સામે નહોતા આવ્યા. કિન ગેંગને પણ પ્રેસિડન્ટ શી જિનપિંગના નજીકના મનાતા હતા. તેમણે 10 વર્ષ સુધી આ જવાબદારી સંભાળી હતી. અચાનક ચીનની સરકારે વાંગ યીને આ જવાબદારી સોંપી દીધી. ઉલ્લેખનીય છે કે કિન ગેંગની લોકપ્રિયતા જિનપિંગ કરતાં પણ વધી ગઈ હતી.