યુએસ સૈન્યએ અમેરિકન એરસ્પેસ પર ઉડતા ચોથા ઓબજેક્ટને પાડી દીધાના એક દિવસ પછી, શંકાસ્પદ ચાઇનીઝ જાસૂસી બલૂન્સ યુકેને પણ નિશાન બનાવી શકે તેવી વધી રહેલી આશંકા વચ્ચે વડા પ્રધાન ઋષી સુનકે તા. 13ને સોમવારે દેશને સુરક્ષિત રાખવા માટે આવું થાય તો જોઇ લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સુનકે જણાવ્યું હતું કે ‘’યુકે એટલાન્ટિકમાં તેના સાથી દેશો સાથે સતત સંપર્કમાં છે અને કોઈપણ સુરક્ષા પ્રતિભાવ માટે તૈયાર છે. અમે દેશને સુરક્ષિત રાખવા માટે જે પણ કરવું પડશે તે કરીશું. અમારી પાસે ક્વિક રિએક્શન એલર્ટ ફોર્સ છે, જેમાં ટાયફૂન પ્લેન 24/7 અમારી એરોસ્પેસના પોલીસીંગ માટે તૈયાર રહે છે. અમે અમારા સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છીએ.”
ડીફેન્સ સેક્રેટરી બેન વોલેસે પુષ્ટિ કરી હતી કે યુકે વેસ્ટર્ન એરસ્પેસમાં તાજેતરના આક્રમણની સુરક્ષા અસરોની સમીક્ષા શરૂ કરી રહ્યું છે. આ ઘટનાઓ વૈશ્વિક જોખમનું ચિત્ર કેવી રીતે વધુ ખરાબ રીતે બદલાઈ રહ્યું છે તેનો બીજો સંકેત છે.
યુકેના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી રિચાર્ડ હોલ્ડને જણાવ્યું હતું કે “સંભવ” છે કે ચીનના જાસૂસી બલૂનો આ દેશમાં પહેલાથી જ મોકલવામાં આવ્યા હોય. જે દેશો યુકે માટે ખતરો ઉભો કરે છે તેના વિશે આપણે વાસ્તવિક બનવું પડશે.”