ભારત રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીનની વધુ 54 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મુકવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. આ એપ્સ દ્વારા ભારતની સુરક્ષાને લગતી મહત્ત્વની માહિતીની ચોરી થવાનો ભય હોય છે. ભારતે Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera,Tencent Xriver, Viva Video Editor, Onmyoji Arena, AppLock અને Dual Space Liteનો સહિતની એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
અગાઉ ભારતે ચીનની 59 મોબાઈલ એપ્સને પ્રતિબંધિત કરી હતી જેમાં ટિકટોક, વીચેટ સામેલ હતા. તે સમયે પણ દેશની સુરક્ષા સામેના જોખમનું કારણ આપવામાં આવ્યું હતું. આ એપ્સ પર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69A હેઠળ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ચીન અને ભારત વચ્ચે મે 2020માં સરહદ પર ટક્કર થઈ હતી ત્યારથી તણાવ વધ્યો છે.
બે વર્ષ અગાઉ ભારત અને ચીનના દળો વચ્ચે ગલવાન વેલીમાં અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા. ચીનના કેટલા સૈનિકોના મોત નિપજ્યા હતા તે જાણી શકાયું નથી. ત્યાર પછી સપ્ટેમ્બરમાં ભારતે ચીનની 118 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ચીને આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ પ્રકારનું પગલું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોની વિરુદ્ધ છે.