કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં દેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપ અંગે સત્તાવાર તપાસમાં જણાવ્યું હતું કે, કેનેડાની છેલ્લી બે ચૂંટણીઓમાં ચીને દખલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરિણામો પર તેની કોઇ અસર થઈ ન હતી અને બીંજિંગ કોઈ એક પક્ષને અન્ય માટે પસંદ કરે તે શક્ય નહોતું.
2019 અને 2021 કેનેડિયન ચૂંટણીઓમાં કથિત વિદેશી હસ્તક્ષેપ અંગે જાહેર તપાસ કરી રહેલા કમિશન સમક્ષ સોગંદપૂર્વક આપેલી જુબાનીમાં, ટ્રુડોએ તેમને મળેલી ગુપ્ત માહિતી અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને ચૂંટણીઓ “મુક્ત અને ન્યાયી” રીતે થઇ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.
ચૂંટણીમાં ચીનની સંભવિત ભૂમિકા અંગેના મીડિયા રીપોર્ટથી નારાજ વિરોધ પક્ષોના દબાણ હેઠળ ટ્રુડોએ ગત વર્ષે તપાસ પંચની રચના કરી હતી.
2021માં ચૂંટણી કેમ્પેઇનમાં મુખ્ય વિરોધ પક્ષ-કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્ત્વ કરનાર એરિન ઓ’ટૂલના અંદાજ મુજબ ચીનના હસ્તક્ષેપના કારણે તેમની પાર્ટીને નવ બેઠકોનું નુકસાન થયું હતું, પરંતુ ચૂંટણીનો માહોલ બદલાયો નહોતો. ટ્રુડોની લિબરલ પાર્ટીનો બંને ચૂંટણીમાં વિજય થયો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, “દેશની અખંડિતતામાં યોજાયેલી ચૂંટણી દરમિયાન વિદેશીઓ દ્વારા હસ્તક્ષેપનો પ્રયાસો કરવા છતાં અમે કંઈ જોયું કે સાંભળ્યું નથી. કેનેડાવાસીઓ દ્વારા ચૂંટણીઓના પરિણામો નક્કી કરવામાં આવ્યા હતા.”
આ અંગે તપાસ કરી રહેલ કમિશન 3 મે સુધીમાં તેનો શરૂઆતનો રીપોર્ટ પૂર્ણ કરશે અને 2024ના અંત સુધીમાં તેનો અંતિમ રીપોર્ટ સોંપશે.