ચીનના સત્તાવાળાઓએ કડક “ઝીરો-કોવિડ” નિયમો હળવા કર્યા પછી દેશમાં કોરોનાવાઇરસના કેસોમાં ઉછાળા સાથે ચીનથી આવતા મુસાફરો પર નિયંત્રણો લાવવા માટે યુકે ભારત સહિતના દેશોની વધતી જતી સૂચિમાં જોડાયું છે. 5 જાન્યુઆરી, 2023થી ચાઇનાથી ઇંગ્લેન્ડ પહોંચતા મુસાફરોએ પ્રસ્થાનના બે દિવસ પહેલાં લેવાયેલ નકારાત્મક કોવિડ-19 પ્રી-ડિપાર્ચર ટેસ્ટ (PDT) બતાવવાની જરૂર રહેશે.
ચીનથી સ્કોટલેન્ડ, વેલ્સ અથવા નોર્ધર્ન આયર્લૅન્ડની કોઈ સીધી ફ્લાઇટ્સ નથી ત્યારે સરકારે શક્ય તેટલી વહેલી તકે યુકેભરમાં તેનો અમલ થાય તેની ખાતરી કરવા માટે વિવિધ પ્રદેશો સાથે કામ કરી રહી છે. જે તે એરલાઇન્સે ચાઇનાથી આવતા તમામ મુસાફરોનો પ્રી-ડિપાર્ચર ટેસ્ટ નેગેટિવ છે તે તપાસવાનો રહેશે અને નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટના પુરાવા આપ્યા વિના મુસાફરોને ફ્લાઇટમાં ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
વધુમાં, UKHSA 8 જાન્યુઆરીથી સર્વેલન્સ શરૂ કરી રહ્યું છે, જેમાં મેઇનલેન્ડ ચાઇનાથી ઇંગ્લેન્ડ આવતા મુસાફરોના નમૂના તેમના આગમન સમયે કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવશે.
યુકેના હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે, “ચીનમાં કોવિડના કેસ વધતા અમે ડેટાનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આ અસ્થાયી પગલાંની જાહેરાત કરીને સંતુલિત અને સાવચેતીભર્યો અભિગમ અપનાવવો અમારા માટે યોગ્ય છે. UK હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)ના અમારા અગ્રણી વૈજ્ઞાનિકોને ચીનમાં ફરતા સંભવિત નવા વેરિયન્ટની ઝડપી સમજ મેળવવાની મંજૂરી આપે છે. વાઇરસ સામેનું શ્રેષ્ઠ સંરક્ષણ રસી જ રહે છે.”
હિથ્રો એરપોર્ટ પરના મુસાફરોને અભ્યાસમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે અને તમામ પોઝિટિવ સેમ્પલ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેર (DHSC) એ જણાવ્યું હતું કે, આનાથી ચીનમાં ફરતા એવા કોઈપણ નવા વેરિયન્ટને ઓળખવાની યુકેની ક્ષમતામાં વધારો કરશે જે પહેલાથી રસી મેળવનાર લોકોની રોગપ્રતિકારક ક્ષમતાને અસર કરી શકે છે. અથવા જે અન્યને સફળતાપૂર્વક ચેપ લગાવવાની ક્ષમતા ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાય છે.
સરકારે જણાવ્યું હતું કે આ પગલાંઓ ચીનમાંથી આવતા કોવિડ-19ના સંભવિત નવા પ્રકારો શોધવાની યુકેની ક્ષમતામાં વધુ સુધારો કરવા માટે લેવાતા “સાવચેતીના અને અસ્થાયી” પગલાં છે.
ચીનના પ્રવાસીઓ માટે ફરજિયાત કોવિડ ટેસ્ટ લાદવામાં ભારત યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, ઇટાલી અને તાઇવાન સાથે જોડાયું છે.
આ અગાઉ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે દેશમાં વધતા કોવિડ-19 ચેપ અને ભારત અને યુએસ જેવા અન્ય દેશો દ્વારા ક્લેમ્પડાઉન વચ્ચે ચીન પર કેટલાક મુસાફરી પ્રતિબંધો લાદવાનું વિચારતા હોવાની જાહેરાત કરી હતી.
યુકેના ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે જણાવ્યું હતું કે ‘’ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ (DfT) નિર્ણય લેતા પહેલા તબીબી સલાહ લેશે અને આરોગ્ય વિભાગ સાથે આ અંગે વાત કરશે. અમે યુએસએ, ભારત અને હવે ઇટાલીએ તેના પર ધ્યાન આપ્યું છે તેની અમે સ્પષ્ટપણે નોંધ લીધી છે. પ્રતિબંધો કેવા હશે તેના પર વિવિધ વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં વડા પ્રધાન સુનક દ્વારા નવા પગલા પર જાહેરાત થવાની અપેક્ષા છે.
યુકેના હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે આ અઠવાડિયે પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર સર ક્રિસ વ્હીટી અને યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)ના ચીફ એક્ઝિક્યુટિવ જેની હેરીસને મળ્યા હતા. બ્રિટનમાં એક મિલિયનથી વધુ લોકો પહેલેથી જ ચેપગ્રસ્ત છે અને યુકેની રસી દ્વારા નવા વેરિયન્ટ સામે સુરક્ષા મળશે કે કેમ તેના હજુ સુધી કોઈ સંકેતો નથી.
ભારત સહિત સંખ્યાબંધ દેશોએ ચીનના કોરોનાવાઇરસ રોગચાળાના પ્રતિભાવમાં પ્રદેશના અમુક દેશોમાંથી આવતા લોકો માટે ફરજિયાત RT-PCR ટેસ્ટની માંગણી કરી છે.
યુકેના હેલ્થ સેક્રેટરી વિલ ક્વિન્સે બીબીસીને જણાવ્યું હતું કે ‘’સરકાર પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે. જો કે, ચીન તરફથી નવા વેરિયન્ટના કોઈ પુરાવા નથી જે ચાવીરૂપ ખતરો હશે.
યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના મેડિસિનના પ્રોફેસર પૌલ હન્ટરે કહ્યું હતું કે ‘’મને નથી લાગતું કે ચીનની વર્તમાન પરિસ્થિતિ યુકેમાં અથવા સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં ઘણા વધુ કોવિડ કેસ પેદા કરે તેવી શક્યતા છે.’’