(istockphoto.com)

છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીમાં ચીનથી વતનમાં પરત ગયેલા હજ્જારો ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન ચીન દ્વારા મૂકવામાં આવેલા વિઝા અને ફલાઇટના પ્રતિબંધને ભારત ગયેલા વિદ્યાર્થીઓ ફરીથી ચીન જઇ શક્યા નથી. ચીન સરકારે શનિવારે જાહેરાત કરી છે કે તે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ચીન પરત ફરવાની મંજૂરી આપશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઅને જણાવ્યું હતું કે, ચીન ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અહીં પરત આવવા બાબતે ચિંતિત છે. લિજિઅને જણાવ્યું છે કે, અન્ય દેશોના વિદ્યાર્થીઓની ચીનમાં પરત આવવાની પ્રક્રિયાની માહિતી અમે ભારતને આપી છે અને તેના આધારે આગળની પ્રક્રિયા હાથ ધરાશે.
ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા બીજિંગમાં મીડિયાને જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓને પરત બોલાવવાની પ્રક્રિયા અગાઉથી જ શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ચીન આવવું છે તેવા વિદ્યાર્થીઓની યાદી ભારતે અમને આપવી પડશે.
લિજિયને જણાવ્યું હતું કે અગાઉના રીપોર્ટ અનુસાર 23 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ એવા છે જે મોટાભાગે ચીનની યુનિવર્સિટીઓ અને મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ 2019માં ચીનમાં શરૂ થયેલી કોરોના મહામારી દરમિયાન તેમના દેશમાં પરત ગયા હતા અને પછી તેઓ અહીં આવી શક્યા નથી.
ચીને ભારતમાંથી ફલાઇટ અને વિઝા રદ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત ચીનમાં નોકરી કરતા અનેક પરિવારો પણ ચીન પરત આવી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે ચીને છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાન, થાઇલેન્ડ, સોલોમોન આઇલેન્ડ જેવા પોતાના મિત્રો દેશોના વિદ્યાર્થીઓને ચીનમાં પરત આવવાની મંજૂરી આપી હતી.