અમેરિકાએ 2022ના બૈજિંગ વિન્ટર ઓલિમ્પિક્સના રાજદ્વારી બહિષ્કારની જાહેરાત કરી છે, જોકે અમેરિકન એથ્લેટિક્સની ટીમ ઓલિમ્પિક્સમાં ભાગ લેશે. ચીનમાં ઉત્તર પશ્ચિમી શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમોના કહેવાતા સંહારના વિરોધમાં નક્કર પગલાં માટે અમેરિકામાં ચોમેરથી દબાણ અનુભવતા પ્રમુખ બાઇડેનના નિર્ણયને જમણેરી જૂથો તથા રાજકારણીઓએ આવકાર્યો છે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ જણાવ્યું હતું કે, પદાધિકારીઓને મોકલવા કે નહીં તે જે તે સરકારોનો નિર્ણય હોય છે અને રાજકીય રીતે નિષ્પક્ષ રમતોત્સવ તથા એથ્લેટો રમતોમાં જોડાય તે રાજકારણથી પર છે અને અમે તેને આવકારીએ છીએ.
બાઇડેનના પુરોગામી ટ્રમ્પના કાળથી ચીન – અમેરિકાના સંબંધો વણસ્યા છે. પ્રમુખ બાઇડેને બૈજિંગને ફરી સાથે રાખવાના પ્રયાસ કરવા છતાં ચીનની વધતી આર્થિક તાકાત અને ઇન્ડો પેસિફિકમાં લશ્કરી હાજરીના પડકારોનો સામનો કરવા પરંપરાગત વ્યૂહાત્મક જોડાણ બાઇડેને ગાઢ બનાવ્યા છે.
વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે, ટીમ યુએસએના ખેલાડીઓ, કોચ, પ્રશિક્ષકો તથા અન્ય સ્ટાફને કોન્સ્યુલર તથા રાજદ્વારી સુરક્ષા સહાય અપાતી રહેશે. વ્હાઇટ હાઉસના અખબારી સચિવ પ્સાકીએ ટીમ યુએસએને પૂર્ણ સમર્થન આપતા ટીમનો ઉત્સાહ ઘેરબેઠા વધારવાની ખાતરી આપી હતી.
ન્યૂઝીલેન્ડ પણ બૈજિંગના શિયાળુ ઓલિમ્પિક્સમાં ડિપ્લોમેન્ટ્સ નહીં મોકલે
ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ગ્રાન્ટ રોબર્ટસને કોરોનાનું કારણ આપીને ન્યૂઝીલેન્ડના પ્રધાન સ્તરીય રાજદ્વારી પ્રતિનિધિઓને બૈજિંગના 2022ના શિયાળુ ઓલિમ્પિક્સમાં નહીં મોકલવાની જાહેરાત કરી છે. જોકે રોબર્ટ્સને અમેરિકાના કારણે આવો નિર્ણય નહીં લેવાયાની સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે, આવા મતલબના નિર્ણયની ચીનને ઓક્ટોબરમાં જ જાણ કરી દેવાઇ હતી.