ચીનના વુહાનમાં કોરોના વાઈરસના સંક્રમણથી થયેલા મોતના નવા આંકડા જાહેર કરાયા છે. તેમાં 1290 મોત એટલે કે 50 ટકાનો વધારો કરાયો છે. નેશનલ હેલ્થ કમીશને જણાવ્યું છે કે વુહાનમાં 3869 મોત થયા છે. પહેલા આ મૃત્યુઆંક 2579 હતો. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યામાં પણ 325નો વધારો થયો છે. અહીં કુલ પોઝિટિવ કેસ 50 હજાર 333 થયો છે. હવે ચીનમાં પોઝિટિવ કેસ 82 હજાર 692 અને મૃત્યુઆંક 4632 થયો છે.
ચીનના હુબેઈ વિસ્તારની રાજધાની વુહાનમાંથી શરૂ થયેલો કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી મુજબ ચીને સ્વીકાર્યું છે કે ઘણા કેસમાં મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ છે અથવા ઘણા કેસની જાણ જ ન થઈ શકી. કોવિડ-19 પ્રિવેન્શન એન્ડ કંટ્રોલની વિહાન સ્થિત મુખ્ય ઓફિસના કહેવા મુજબ આંકડામાં સંશોધન સંબંધિત નિયમ અને કાયદા મુજબ કરાયું છે. હવે કોરોના સાથે જોડાયેલી જાણકારી પારદર્શક અને સાર્વજનિક છે તેમજ આંકડા પણ સાચા છે.
સમગ્ર વિશ્વએ ચીન દ્વારા રોજ જાહેર કરવામાં આવતા આંકડાનો ખોટા ગણાવાયા હતા. અમેરિકાએ પણ ચીનના આંકડા ઉપર શંકા વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર મોતના આંકડાને છૂપાવવાને લઈને ચીન ઉપર નિશાન સાધી ચૂક્યા છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા પર પણ ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે અને તેનું ફંડિંગ રોકી દીધું છે.