ચીનના શહેરોમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે.શાંઘાઇના પૂર્વ વિસ્તારમાં આકરું લોકડાઉન લાદવામાં આવ્યું છે અને લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં મંગળવારે કોરોનાના દેનિક કેસ વધીને 4,477 થયા હતા. શાંઘાઇમાં સ્થિતિ સ્ફોટક હોવાથી ત્યાં વ્યાપક ટેસ્ટિંગ અને અંકુશને લગતા અન્ય પગલા લેવા માટે લોકડાઉન અમલી બનાવ્યું છે.
આશરે 2.6 કરોડની વસતિ ધરાવતા ચીનની નાણાકીય રાજધાની અને સૌથી મોટું શહેર શાંઘાઇ અગાઉના કોરોના વિસ્ફોટમાં અસરકારક પગલાંથી મહામારીની વ્યાપક અસરથી બચી ગયું હતું. હવે આ વખતે વ્યાપક લોકડાઉનને બે તબક્કામાં લાદવાની શરૂઆત કરાઇ છે. જે ૨૦૧૯ના અંતમાં કોરોનાનો પહેલો કેસ જ્યાં નોંધાયો હતો તે વુહાન શહેરમાં લદાયેલા લોકડાઉન પછી સૌથી આકરું છે. અહીં ૨૦૨૦ના પ્રારંભમાં ૧.૧ કરોડ લોકોને ૭૬ દિવસ સુધી તેમના ઘરોમાં કેદ કરી દેવાયા હતા. શાંઘાઇનો પુડોંગ જિલ્લા અને નજીકના વિસ્તારોને સોમવારથી શુક્રવાર સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. લોકડાઉનના બીજા તબક્કામાં હુઆન્ગ્પુ નદીના પૂર્વ વિસ્તારમાં પાંચ દિવસનું લોકડાઉન અમલી બનશે.
આ લોકડાઉન દરમિયાન લોકોને ઘરોમાં રહેવું પડશે અને તેઓ બહારની દુનિયા સાથે કોઇ સંપર્ક ન રાખી શકે તે માટે ચેકપોઇન્ટ્સ પર ચીજવસ્તુઓ રાખવામાં આવશે. જરૂરી ન હોય તેવી ઓફિસો અને વેપારી સંસ્થાનો બંધ રખાશે અને જાહેર પરિવહન સસ્પેન્ડ રખાશે. જોકે અગાઉના અઠવાડિયે શાંઘાઇમાં અનેક સ્થળો લોકડાઉન અમલી બનાવાયું હતું. શાંઘાઇના અનેક વિસ્તારોમાં ટેસ્લા જેવી કંપનીઓએ તેમનું ઉત્પાદન હાલ બંધ કરી દીધું છે.