દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન વારંવાર અન્ય દેશોની જળસીમામાં ઘૂસણખોરી કરીને તંગદિલી સર્જે છે. દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે ત્યારે ચીને મિસાઈલોનું પરીક્ષણ કરીને પાડોશી દેશોને ડરાવ્યા હતા.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે નૌસેનાની તસવીરો પ્રસિદ્ધ કરીને અહેવાલ આપ્યો હતો એ પ્રમાણે ચીનના નૌકાદળે બે યુદ્ધજહાજોમાંથી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ચીને યૂલિન અને સૂચાંગ નામના બે યુદ્ધજહાજમાં મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું.
જાપાન અને તાઈવાનની જળસીમાની નજીક આ પરીક્ષણ થયું હતું.નૌકાદળના યુદ્ધાભ્યાસ દરમિયાન સેંકડો બોમ્બ દાગવામાં આવ્યા હતા. લાઈવ ફાયર, ફોર્મેશન મેન્યુવર, એન્ટિ સબમરીન વોરફેર, જોઈન્ટ સોલ્વેજ વગેરેનો નૌસેનાએ અભ્યાસ કર્યો હતો. ચીની નેવીની સત્તાવાર વેબસાઈટમાં પણ એ તસવીરો પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આખા દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન દાવો કરતું આવ્યું છે. એના કારણે પાડોશી દેશોના સંબંધો સતત તંગ રહે છે. ચીનના પરીક્ષણો અને યુદ્ધજહાજોની ઘૂસણખોરીથી જાપાન અને તાઈવાન સૌથી વધુ પરેશાન થાય છે. તાઈવાને આરોપ લગાવ્યો હતો કે ગત ૨૯મી માર્ચે ચીને તેના એરસ્પેસમાં ફાઈટર જેટ મોકલ્યા હતા. જાપાન અને તાઈવાનના સહિતના દેશોના ઘણાં ટાપુઓ ઉપર પણ ચીન દાવો કરતું રહે છે. કોરોનાના ત્રાસ વચ્ચે પણ ચીને તેની વિસ્તારવાદી માનસિકતા વધુ એક વખત છતી કરી હતી.