તાઇવાનના પ્રેસિડન્ટની અમેરિકાથી મુલાકાતથી ગુસ્સે થયેલા ચીને શનિવારે તાઇવાનની ફરતે ત્રણ દિવસની લશ્કરી કવાયત હાથ ધરી હતી. ચીને વારંવાર ધમકીઓ આપી હોવા છતાં તાઇવાનના પ્રેસિડન્ટે અમેરિકાના પ્રતિનિધિગૃહના સ્પીકર સાથે મુલાકાત કરતાં આ તંગદિલી ઊભી થઈ હતી. કવાયતમાં ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના લાંબા અંતરના રોકેટ યુનિટ, ડિસ્ટ્રોયર્સ, ફ્રિગેટ્સ, મિસાઈલ બોટ, ફાઈટર જેટ્સ, બોમ્બર્સ અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ તૈનાત કરાયા હતા.
ચીનની આ ગતિવિધિ અંગે અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકા આ વિસ્તારમાં સુરક્ષાની પ્રતિબદ્ધતાને પહોંચી વળવા તૈયાર છે તથા તેની પાસે શાંતિ અને સ્થિરતાની જાળવણી માટે પૂરતા સંશાધનો છે.
તાઇવાનને ચીન પોતાના એક પ્રાંત ગણાવે છે અને તાઇવાન પોતાને સ્વ-શાસિત સ્વતંત્ર ટાપુ માને છે.
ચીને તાઇવાનને પોતાનામાં ભેળવી દેવા માટે લશ્કરી દળોનો ઉપયોગ કરવાની શક્યતાને પણ નકારી કાઢી નથી. ચીની સૈન્યએ ત્રણ દિવસીય “લડાઇ તૈયારીના પેટ્રોલિંગ”ના બહાના હેઠળ આ કવાયતની જાહેરાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે સમુદ્ર, હવા અને માહિતી પર નિયંત્રણ મેળવવા તેના દળોની ક્ષમતાઓનું પરીક્ષણ કરી રહ્યું છે. તાઈવાનના પ્રેસિડન્ટ ત્સાઈ ઈંગ-વેન આ સપ્તાહની શરૂઆતમાં યુએસની તેમની હાઈ-પ્રોફાઈલ મુલાકાત પછી તાઈપેઈ પરત ફર્યા પછી ચીનને આ હિલચાલ કરી છે. અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ યુએસ હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીને મળ્યા હતા. બેઇજિંગે આ પગલાની આકરી નિંદા કરી હતી.
ચીને શુક્રવારે તાઈવાનની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવામાં તેમની સંડોવણી બદલ એશિયા આધારિત સંગઠનો ધ પ્રોસ્પેક્ટ ફાઉન્ડેશન અને કાઉન્સિલ ઓફ એશિયન લિબરલ્સ એન્ડ ડેમોક્રેટ્સ- ઉપરાંત ત્સાઈની યજમાની કરનારી બે અમેરિકન સંસ્થાઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા.
ચીન વિદેશી સરકારો અને તાઇવાન વચ્ચેના કોઈપણ સત્તાવાર વિચાવિમર્શને આ ટાપુ પરના સાર્વભૌમત્વના બેઇજિંગના દાવાઓના ઉલ્લંઘન તરીકે જુએ છે.
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનને હજુ શુક્રવારે તેમની ત્રણ દિવસની હાઇ પ્રોફાઇલ મુલાકાત પૂરી કરી છે ત્યારે ચીને આ આક્રમક અભિગમ અપનાવ્યો છે. મેક્રોનને ચીનની મુલાકાત દરમિયાન શી જિનપિંગ સહિતના નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચીનની દરમિયાનગીરીની માગણી કરી હતી.