અરુણાચલ પ્રદેશને ભારતનો વિસ્તાર ગણાવતું નિવેદન આપવા બદલ અમેરિકાની આકરી નિંદા કરતાં ચીની મિલિટરીએ ગુરુવારે જણાવ્યું હતું કે સીમા વિવાદનો યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે ભારત અને ચીન એક પરિપક્વ વ્યવસ્થાતંત્ર, સંદેશાવ્યવહારના માધ્યમો તથા વાતચીત અને પરામર્શ કરવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકાના તાજેતરના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સિનિયર કર્નલ વુ કિને જણાવ્યું હતું કે અમેરિકા પોતાના સ્વાર્થ લાભ માટે અન્ય દેશો વચ્ચે વિવાદો ઉભો કરવાનો ભયંકર રેકોર્ડ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સમુદાય તેને સ્પષ્ટ રીતે જુએ છે. સરહદી મુદ્દાઓ પર ચીન અને ભારત વચ્ચે પરિપક્વ મિકેનિઝમ્સ અને કોમ્યુનિકેશન ચેનલો છે. બંને પક્ષો પાસે વાતચીત અને પરામર્શ દ્વારા સીમા પ્રશ્નને યોગ્ય રીતે હેન્ડલ કરવાની ક્ષમતા અને ઇચ્છાશક્તિ છે
અમેરિકાના વિદેશ વિભાગના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલના 9 માર્ચે જણાવ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપે છે તથા આક્રમણ અથવા અતિક્રમણ દ્વારા પ્રાદેશિક દાવાઓને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસોનો સખત વિરોધ કરે છે.
જોકે વુએ પુનરોચ્ચાર કર્યો હતો કે અરુણાચલ પ્રદેશ ચીનના પ્રદેશનો ભાગ છે. ઝાંગનાન (અરુણાચલ પ્રદેશ માટે ચીનનું અધિકૃત નામ) પ્રાચીન સમયથી ચીનનો પ્રદેશ છે. આ એક નિર્વિવાદ હકીકત છે. અગાઉ ભારતના વિદેશ મંત્રાલયે ચીનના આવા દાવાને વાહિયાત ગણાવ્યો હતો.