કોરોના વાયરસના સંક્રમણને લઇને અમેરિકા એકવાર ફરીથી ચીન પર નિશાન સાધી રહ્યુ છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીન પર આરોપ લગાવતા કહ્યુ છે કે ચીને પોતાના લોકોને જાણી જોઇને દેશની બહાર નિકળવા દીધા છે, જ્યારે તેઓ જાણતા હતા કે આમ કરવાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ શકે છે.
માઇક પોમ્પિયોએ કહ્યુ કે, આ પ્રકારના નિર્ણય સમજી વિચારીને લેવાતા હોય છે, જે દુનિયા માટે કોઇ પણ પ્રકારનું જોખમ ઉભુ કરી શકે છે. જ્યારે કોરોના વાયરસનો પ્રવેશ થઇ ચુક્યો હતો તો લોકો દુનિયામાં કેમ ફરી રહ્યા હતા? ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીને તો તેનો જવાબ ખબર હશે, કારણ કે તેઓ જ જાણતા હતા કે કોરોના વાયરસનું ટ્રાન્સમિશન થશે.
માઇક પોમ્પિયોનું આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અત્યારે કોઇ પણ પ્રકારની વાત કરવા નથી માંગતા. જો પરિસ્થિતિ બગડતી રહી તો અમેરિકા ચીન સાથે તમામ સંબંધ તોડી દેશે.
માઇક પોમ્પિયોએ કહ્યુ કે અમે જાણીએ છીએ કે ડિસેમ્બરમાં ચીનની સરકારને વાયરસ વિશે માહિતી મળી ચુકી હતી, તેમછતાં ચીને લોકોને બહાર નિકળતા રોક્યા ન હતા. અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યુ અમેરિકાએ સૌથી પહેલા ચીનની ફ્લાઇટ બંધ કરી, પરંતુ ત્યાં સુધી યૂરોપમાં આ વાયરસ ફેલાઇ ચુક્યો હતો. ત્યારબાદથી યૂરોપથી પણ આવતી બધી ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી હતી.
જ્યારે પોમ્પિયોને પૂછવામાં આવ્યુ હતુ કે શું અમેરિકા ચીન સાથેના સંબંધ તોડી દેશે? ત્યારે તેમણે કહ્યુ કે, તેનો નિર્ણય રાષ્ટ્રપતિ કરશે અને તેમનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે. અમેરિકામાં કોરોના વાયરસના કારણથી મૃત્યુઆંક 90 હજારની નજીક પહોંચી ચુક્યો છે, છેલ્લા ત્રણ મહિનાથી વિશ્વની સૌથી મોટી શક્તિ સમગ્રપણે બંધ છે અને આ ચીની વાયરસની સામે લાચાર જોવા મળી રહી છે.