રશિયા-યુક્રેન યુદ્ધ તથા અમેરિકા અને ભારત સાથેના સંઘર્ષપૂર્ણ સંબંધોની વચ્ચે ચીને તેનું સંરક્ષણ બજેટ 7.1 ટકા વધારીને 230 બિલિયન ડોલરનું કર્યું છે. ચીનનું આ બજેટ ભારતના 2022 માટેના 70 બિલિયન ડોલર (રૂ.5.25 લાખ કરોડ) કરતા આશરે ત્રણ ગણું મોટું છે.
દેશની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)માં વડાપ્રધાન લી કોચાંગે રજૂ કરેલી બજેટની દરખાસ્તો મુજબ ચીનની સરકારે 2022ના નાણાકીય વર્ષ માટે સંરક્ષણ બજેટને વાર્ષિક ધોરણે 7.1 ટકા વધારીને 230 બિલિયન ડોલર (1.45 ટ્રિલિયન યુઆન) કરવાની દરખાસ્ત કરી છે.
હિંદ પ્રશાંત વિસ્તારમાં પીપલ્સ લિબરેશન આર્મીના વધતા જતાં શક્તિપ્રદર્શન વચ્ચે ચીનના સંરક્ષણ બજેટમાં આ મોટો વધારો કરાયો છે.
ડ્રાફ્ટ રીપોર્ટમાં પીપલ્સ લિબરેશન આર્મીની યુદ્ધની સર્વગ્રાહી તૈયારીને વધુ ઘનિષ્ઠ બનાવવાની દરખાસ્ત છે. તેમાં જણાવાયું છે કે આર્મીએ દેશની અખંડિતતા, સુરક્ષા અને વિકાસના હેતુઓનું રક્ષણ કરવા માટે મિલિટરી પ્રયાસોને વધુ મજબૂત કરવાની જરૂર છે.
ભારતના $70 બિલિયન ના સંરક્ષણ બજેટ કરતાં ચીનનું બજેટ ત્રણ ગણું મોટું
ચીનના સંરક્ષણ બજેટમાં નવા એરક્રાફ્ટ કેરિયર્સ, એર ફોર્સ અને મિસાઇલ સિસ્ટમ્સ સહિત નૌકાદળના ઝડપી આધુનિકરણના ખર્ચનો સમાવેશ થતો નથી. સંરક્ષણ બજેટ ઉપરાંત ચીનમાં અલગ આંતરિક સુરક્ષા બજેટ હોય છે, જે ઘણીવાર સંરક્ષણ ખર્ચ કરતાં વધુ હોય છે.
ચીન વિશ્વમાં 20 લાખ સૈનિકોની સૌથી મોટી આર્મી ધરાવે છે. વિશ્વમાં સંરક્ષણ બજેટમાં ચીન બીજા ક્રમે છે. અમેરિકા આશરે 600 બિલિયન ડોલરના સંરક્ષણ બજેટ સાથે વિશ્વમાં ટોચ પર છે. ગયા વર્ષે ચીનનું બજેટ પ્રથમ વખત 200 બિલિયન ડોલરને વટાવી ગયું હતું. 2021માં તેનું આ બજેટ 6.8 ટકા વધીને 209 બિલિયન ડોલર થયું હતું.
પૂર્વ લડાખમાં ચીન સાથેના વિવાદને પગલે ભારત માટે બજેટમાં આ વધારો ચિંતાજનક બાબત છે. ચીન ભારતને ચારેતરફથી ભારતને ઘેરી રહ્યું છે. ચીનને શ્રીલંકાનું હામાબાન્ટોટા પોર્ટ 99 વર્ષના ભાડાપટ્ટે રાખ્યું છે. આ ઉપરાંત તે અરેબિયન સમુદ્રમાં પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટને આધુનિક બનાવી રહ્યું છે.