તાઇવાનની મુલાકાત લેવા બદલ ચીને શુક્રવારે યુએસ પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી અને તેમના નજીકના પરિવારજનો સામે પ્રતિબંધોની જાહેરાત કરી હતી. ચીને સંરક્ષણ, પર્યાવરણ પરિવર્તન અને બીજા સંખ્યાબંધ મુદ્દા અંગે વોશિંગ્ટન સાથેની મંત્રણા પણ રદ કરી હતી. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સંવેદનશીલ તાઇવાન દરિયામાં ચીનના 68 લશ્કરી વિમાન અને 13 યુદ્ધજહાજો મિશન હાથ ધરી કરી રહ્યાં છે. કેટલાંક જહાજોએ બંને દેશોને અલગ કરતાં બફર વિસ્તારનું બિનસત્તાવાર ઉલ્લંઘન કર્યું છે. તેનાથી યથાવત્ સ્થિતિને નુકસાન થયું છે.
ચીનની તમામ ધમકીઓની અવગણના કરી પેલોસીએ મંગળવારે તાઇવાનની મુલાકાત લીધી હતી, જે અમેરિકાના ઉચ્ચ અધિકારીની 25 વર્ષમાં પ્રથમ મુલાકાત હતી. પેલોસીની આ મુલાકાતને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની છબી ખરડાઈ હોવાનું માનવામાં આવે છે.
પેલોસીની મુલાકાતથી ગિન્નાયેલા ચીને તાઇવાનના દરિયામાં ચાર દિવસની ઉગ્ર લશ્કરી કવાયતની પણ જાહેરાત કરી હતી. ચીને મુકેલા પ્રતિબંધો માત્ર પ્રતિકાત્મક માનવામાં આવે છે. તેમાં પેલોસી અને તેમના પરિવારના સભ્યો ચીનની મુલાકાત પર પાબંધી મૂકાઈ છે.
ચીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના સંબંધિત કાયદા અનુસાર પેલોસી અને તેમના પરિવાજનો પર પ્રતિબંધો મૂકવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ચીને અગાઉની ટ્રમ્પ સરકારના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સહિતના 28 વહીવટી અધિકારીઓ પર આવા પ્રતિબંધ મૂક્યા હતા.
બીજા એક નિવેદનમાં ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકા સામે વળતા પગલાંની જાહેરાત કરી હતી. તેમાં ચાઇના-યુએસ થીએટર કમાન્ડર્સની મંત્રણા, ચાઇના-યુએસ સંરક્ષણ નીતિ સંકલનની મંત્રણા અને ચાઇના-યુએસ મિલિટરી મેરિટાઇમ કન્સલ્ટેટિવ એગ્રીમેન્ટ બેઠકને રદ કરવાનો સમાવેશ થાય છે.
ચીને ગેરકાયદે માઇગ્રેન્ટની પરત મોકલવા અંગેના સહકાર, ગુનાહિત બાબતોમાં કાનૂની સહાય અંગે સહકાર, આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામેના સહકાર, નાર્કોટિક્સ વિરોધી સહકાર અને ક્લાઇમેટ ચેન્જ અંગેની મંત્રણાને સસ્પેન્ડ કરવાની પણ જાહેરાત કરી છે.
ચીનના યુદ્ધાભ્યાસની યુએસ, જાપાને આકરી ટીકા કરી
તાઇવાનની ફરતે ચીનની ઉશ્કેરણીજનક લશ્કરી કવાયતની આકરી ટીકા કરતાં કરતાં અમેરિકાએ તેને બેજવાબદાર પગલું ગણાવ્યું હતું. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ કો-ઓર્ડિનેટર ફોર સ્ટ્રેટેજિક કમ્યુનિકેન્સ જોહન કિર્બીએ જણાવ્યું હતું કે ચીને તાઇવાન તરફ આશરે 11 બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા હતા. તેનાથી આ ટાપુના ઉત્તરપૂર્વ, પૂર્વ અને દક્ષિણપૂર્વને અસર થઈ હતી. આ પગલું તાઇવાન અને આજુબાજુના વિસ્તોરમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના લાંબા ગાળાના હેતુની વિરુદ્ધનું છે. બીજી તરફ જાપાનના પીએમ ફુમિયો કિશિડાએ જણાવ્યું હતું કે ચીનની લશ્કરી કવાયત ગંભીર સમસ્યા ઊભી કરે છે, જેનાથી પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. કિશિડાએ પેલોસી સાથે પણ મુલાકાત કરી હતી.