ચીનના આકરા કોવિડ લોકડાઉનની વિરોધમાં શાંઘાઇ, બેઇજિંગ સહિતના શહેરોમાં જનતાનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ચીનમાં એકતરફ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, બીજી તરફ નિયંત્રણો સામે લોકોનો આક્રોશ ફાટી નીકળી છે. રવિવારે દેશમાં 40,000 નવા કેસ નોંધાયા હતા. ઝીરો કોવિડ પોલિસીનો વિરોધ કરી રહેલા લોકોએ પ્રેસિડન્ટ શી જિનપિંગના રાજીનામાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો.
ચાઈનીઝ સોશિયલ મીડિયા અને ટ્વિટર પાસે જાહેર વિરોધના ઘણા વીડિયો છે. શાંઘાઈમાં લોકોએ ગુસ્સાના દુર્લભ પ્રદર્શનમાં શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) અને પ્રમુખ શી જિનપિંગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘણા દેખાવકારોની ધરપકડ કરાઈ હતી. વિવિધ યુનિવર્સિટી કેમ્પસના વિરોધના વીડિયો પણ છે, જેમાં વિદ્યાર્થીઓ લોકડાઉનનો વિરોધ કરવા માટે ખુલ્લામાં બહાર આવ્યા હતા. વિદ્યાર્થીઓએ દિવાલો પર ‘નો ટુ લોકડાઉન, યસ ટુ ફ્રીડમ’ લખ્યું હતું. તેમાં ‘નો કોવિડ ટેસ્ટ,’ યસ ટુ ફૂડના સૂત્રો પણ લખેલા હતા.
બીજા એક વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો રસ્તા પર બેનર લઈને ઉભા છે. બેનર પર લખેલું છે- નીડ હ્યુમન રાઈડ, નીડ ફ્રીડમ એટલે અમને માનવ અધિકાર અને સ્વતંત્રતાની જરૂર છે.શનિવારે સરકારે શિનજિયાંગની પ્રાંતીય રાજધાની ઉરુમકીમાં લોકડાઉનનો નિર્ણય પાછો ખેંચી લેવો પડ્યો હતો. અહીં કોવિડ લોકડાઉન હેઠળના એપાર્ટમેન્ટ બ્લોકમાં ગુરુવારે આગમાં 10 લોકો માર્યા ગયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા. ઝીરો કોવિડ પોલિસી હેઠળ લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અગ્નિશામકો દળો સમયસર આગ ઓલવવા માટે આવી શક્યા ન હતા અને તેનાથી 10 લોકોના મોત થયા હતા.આ ઘટનાએ વિરોધના જુવાળને જન્મ આપ્યો છે.
ત્રણ મહિનાના કડક લોકડાઉનની વિરોધમાં ઉરુમકીમાં વિશાળ પ્રદર્શન થયા હતા. ઉઇગુર મુસ્લિમો સાથે ઘણા હાન ચીની નાગરિકોએ દેખાવોમાં ભાગ લીધો હતો.સરકારી ઓફિસની બહાર એક જાહેર ચોકમાં સેંકડો રહેવાસીઓએ રાષ્ટ્રગીત સાથે “લોકોની સેવા કરો” અને “લોકડાઉન સમાપ્ત કરો” ના નારા લગાવ્યા હતા.બેઇજિંગમાં ઘણા કમ્પાઉન્ડના લોકોએ વિરોધી દેખાવો કર્યા હતા. તેનાથીઅધિકારીઓએ નિયંત્રણો પાછા ખેંચ્યા હતા.
લગાતાર ચોથા દિવસે 40 હજાર નવા કેસો
27 નવેમ્બરે સતત ચોથા દિવસે ચીનમાં કોરોનાના 40 હજાર કેસ નોંધાયા હતા. 24 નવેમ્બરે 31,454 નવા કેસ મળી આવ્યા હતા. 26 ઓક્ટોબરે 35,183 નવા કેસ નોંધાયા હતા. હવે ચીનમાં એક્ટિવ કેસની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે. લોકડાઉન ચીનના બિઝનેસ પર સતત અસર કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે ચીનના જીડીપીમાં 20% યોગદાન આપતા વિસ્તારો પણ લોકડાઉન અથવા કડક નિયંત્રણો હેઠળ છે. તેની સેન્ટ્રલ બેંકો પણ આગામી વર્ષે ચીનની વૃદ્ધિ 4.3% થી 4% થવાનો અંદાજ લગાવી રહી છે. વૃદ્ધિમાં ઘટાડાનું સૌથી મોટું કારણ મુખ્ય બિઝનેસ હબ શાંઘાઈમાં 2 એપ્રિલથી લાગુ કરાયેલું બે મહિનાનું લોકડાઉન પણ છે.