ચીને અરુણાચલપ્રદેશ પર પોતાના દાવો મજબૂત કરવાના એક પ્રયાસના ભાગરૂપે ભારતના આ રાજ્યના 11 સ્થળોની નવા નામો જાહેર કર્યા હતા. આ ત્રીજી વખત છે, જ્યારે ચીને અરુણાચલ પ્રદેશના કેટલાંક સ્થળોના નામ બદલ્યા છે, જેને તે “ઝાંગનાન, તિબેટનો દક્ષિણ ભાગ” કહે છે. જોકે ભારતે આનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે અરુણાચલ ભારતનો અભિન્ન હિસ્સો છે અને રહેશે.
ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે અરૂણાચલ પ્રદેશ માટે 11 સ્થળોના નામો જાહેર કર્યા હતા. મંત્રાલયે 11 સ્થળોના સત્તાવાર નામ જારી કર્યા છે. જેમાં બે ભૂમિ ક્ષેત્રો, બે રહેણાંક વિસ્તારો, પર્વતની પાંચ ટોચો અને બે નદીઓ સહિત ચોક્કસ નિર્દેશાંક પણ અપાયા છે. આ ઉપરાંત સ્થળોના નામ અને તેમની હેઠળના વહીવટી જિલ્લાની યાદી પણ નોંધવામાં આવી છે.
ચીનના મંત્રાલય દ્વારા અરૂણાચલ પ્રદેશ માટે જારી સ્ટેન્ડરાઇઝ્ડ ભૌગોળિક નામોની આ ત્રીજી યાદી છે. અરૂણાચલમાં છ સ્થળોના નામોની યાદી 2017માં જારી કરાઇ હતી. 15 સ્થળોની બીજી યાદી 2021માં જારી કરાઇ હતી.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ડિસેમ્બર 2021માં કહ્યું હતું કે ‘આ પહેલી વખત નથી કે ચીને અરૂણાચલ પ્રદેશમાં આ રીતે સ્થળોનું નામ બદલવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે કાયમ ભારતનું અભિન્ન અંગ રહ્યું છે.’