ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ચીનમાં ઇસ્લામને ચીની નીતિઓ મુજબનો રાખવા માટેના સિદ્ધાંતનું પાલન કરવાના પ્રયાસો તેજ કરવાની અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે ધર્મોને સત્તાધારી કમ્યુનિટી પાર્ટી ઓફ ચાઇનાની નીતિઓને અનુકૂળ બનાવવાની પણ તાકીદ કરી છે.
જિનપિંગ હાલમાં મુસ્લિમો પર અત્યાર થઈ રહ્યાં છે તેવા શિનજિંયાગ પ્રાંતની મુલાકાતે છે.ચીનના સૈનિકો છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉઇગર મુસ્લિમો પર કડક પ્રતિબંધો મૂક્યો છે. આ વિસ્તારમાં ચીન બીજા પ્રાંતના હાન વંશના ચીનાઓને વસાવીને મુસ્લિમોને કાબુમાં રાખવા માગે છે. શિનજિંયાગની પ્રાંતની 12 જુલાઈએ ચાલુ થયેલી ચાર દિવસની યાત્રા દરમિયાન જિનપિંગ આ પ્રાંતના અધિકારોને મળ્યા હતા. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર જિનપિંગે ધાર્મિક બાબતોની વહીવટી ક્ષમતામાં સુધારો કરવા અને ધર્મોના તંદુરસ્ત વિકાસને હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો.
સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ જિનપિંગે અધિકારીઓને ચીનમાં ઇસ્લામ ચીની સંસ્કરણ મુજબ જ હોવો જોઇએ તે સિદ્ધાંતને વળવી રહેવાના પ્રયાસોમાં વધારો કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે તમામ ધર્મોને સોશિયાલિસ્ટ સોસાયટીના સિદ્ધાંતમાં ઢાળવાની પણ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોની સામાન્ય ધાર્મિક જરૂરિયાત સુનિશ્ચિત કરવી જોઇએ અને તેઓ પાર્ટી અને સરકાર સાથે ગાઢ રીતે જોડાયેલા હોવો જોઇએ.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીનના આ સર્વોચ્ચ નેતા ઇસ્લામના ‘ચીનીકરણ’ની જોરદાર તરફેણ કરી રહ્યાં છે. તેઓ ઇસ્લામને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની નીતિઓ મુજબ ઢાળવા માગે છે. સાંસ્કૃતિક ઓળખના મહત્ત્વ પર ભાર મૂકીને જિનપિંગ તમામ વંશિય જૂથોને શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડીને ચાઇનીઝ કલ્ચર, કમ્યુનિટી પાર્ટી ઓફ ચાઇના સાથેની તેમની ઓળખને મજબૂત કરવા માગે છે.
ચીન પર ઉઇગર મુસ્લિમોને કેમ્પોમાં કેદ કરી રાખવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યાં છે. બેઇજિંગદ આ કેમ્પને એજ્યુકેશન સેન્ટર તરીકે ઓળખાવે છે. ચીન સામે અમેરિકા અને યુરોપના દેશો મુસ્લિમોના નરસંહારનો પણ આક્ષેપ કરી રહ્યાં છે. ચીન ઇસ્લામિક કટ્ટરવાદીઓ સામેની કાર્યવાહીના ઓઠા હેઠળ મુસ્લિમોના હકો છીનવી લીધા છે.