ચીનમાં લાખ્ખો ઉઇગર મુસ્લિમોને નજરકેદમાં રાખીને તેમને યાતના આપવામાં આવતી હોવાના આક્ષેપોની તપાસ કરવા આવેલા યુએન માનવાધિકાર પંચના વડા મિશેલ બેશેલેટને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઇપણ દેશ સંપૂર્ણપણે માનવાધિકારનું રક્ષણ થતું હોવાના દાવો કરી શકે નહીં અને આ અંગે ઉપદેશ આપવાની જરૂર નથી. જિનપિંગે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમના માનવાધિકારના ભંગ અને તેમના કેદમાં રાખવામાં આવ્યા હોવાના આક્ષેપનો પરોક્ષ રીતે નકારી કાઢ્યો હતો.
માનવાધિકાર માટેના યુએનના હાઇકમિશનર ઉઇગર મુસ્લિમોના માનવાધિકારના ભંગની તપાસ કરવા માટે સોમવારે ગુઆંગઝો પ્રાંતમાં આવ્યા હતા. ચીને લાંબા સમય સુધી આનાકાની કર્યા બાદ આ તપાસની છૂટ આપી હતી. ચીન ઇસ્લામિક ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીના ભાગરૂપે લાખ્ખો ઉઇગર મુસ્લિમો પર ત્રાસ ગુજારતું હોવાનો આરોપ છે.
ચીનનો આક્ષેપ છે કે ઇસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મુવમેન્ટ મુસ્લિમોની બહુમતી ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં અલગતાવાદીઓની ઉશ્કેરણી કરે છે. ચીનનો આ પ્રાંત પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીર, અફઘાનિસ્તાન અને મધ્યએશિયાના કેટલાંક દેશોની સરહદ પર આવેલો છે. ઇસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મુવમેન્ટ નામનું સંગઠન અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા કટ્ટરવાદી સંગઠનો સાથે કથિત લિન્ક ધરાવતું હોવાનો પણ ચીનનો આક્ષેપ છે.
ચીનને મુસ્લિમોને માસ કેમ્પમાં રાખ્યા છે. જોકે આવા કેમ્પોને ચીન પુનઃશિક્ષણ કેન્દ્રો કહે છે. ચીન પર ઇસ્લામ ધર્મને બદનામ કરવાનો આરોપ છે. તે સત્તાધારી કમ્યુનિટી પાર્ટીની નીતિઓ મુજબ મુસ્લિમોને ઢાળવા માગે છે. બુધવારે વીડિયો લીન્કમારફત બેશેલેટ સાથેની બેઠકમાં પ્રેસિડન્ટ જિનપિંગે જણાવ્યું હતું કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) અને ચીનની સરકાર માનવ અધિકારોના સર્વગ્રાહી રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. માનવાધિકારના મુદ્દે કોઇપણ દેશ સંપૂર્ણ સફળ હોવાનો દાવો કરી શકે નહીં, તેમાં હંમેશા સુધારાનો અવકાશ હોય છે. શિનજિયાંગ પ્રાંતમાં ચીનની કાર્યવાહીને અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશો નરસંહાર ગણાવે છે. આ વાતનો દેખિતો ઉલ્લેખ કરતાં પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે માનવ અધિકારોનો મુદ્દો આવે છે ત્યારે તેમાં કોઇ સંપૂર્ણ શ્રેષ્ઠ હોવાનો દાવો કરી શકે નહીં. દેશોએ ઉપદેશો આપવાની જરૂર નથી. માનવાધિકારના મુદ્દાને રાજકીય રંગ ઓછો આપવો જોઇએ. તેનો બેવડા ધોરણોના સાધન તરીકે ઉપયોગ કે બીજા દેશોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપના હથિયાર તરીકે ઉપયોગ કરવો જોઇએ નહીં. ચીનમાં 17 વર્ષ પછી યુએન માનવાધિકાર પંચના વડાની આ પ્રથમ મુલાકાત છે.